અમરેલીના બરસીયા ડુંગરમાં ભીષણ આગથી કુદરતી વનસ્પતિનો સોથ વળ્યો, 80 વીઘામાં પથરાઈ રાખ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાનુડી ગામ નજીક આવેલા બરસીયા ડુંગર વિસ્તારમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ ડુંગરાળ વિસ્તારમાં એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં વિશાળ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ ભીષણ આગને કારણે અંદાજે 80 વીઘાથી વધુ રેવન્યુનો ડુંગરાળ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે.
આગની વિકરાળતા એટલી વધુ હતી કે ડુંગર પર આવેલી કુદરતી વનસ્પતિ, ઘાસ અને મોટા પ્રમાણમાં વૃક્ષો બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પર્યાવરણને મોટું નુકસાન થયું છે અને વન્યજીવોના નિવાસસ્થાનો પર પણ જોખમ ઊભું થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ લાગવાની જાણ વન વિભાગ તેમજ મામલતદાર કચેરીને તાત્કાલિક કરવામાં આવી હતી. તેમ છતાં, સરકારી તંત્રની ટીમ ઘટનાસ્થળે મોડી પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તંત્રની આ ઢીલી કામગીરીને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને 80 વીઘા જેટલો મોટો વિસ્તાર બળીને પાયમાલ થઈ ગયો હતો. બનાવની ગંભીરતાને જોતા વન વિભાગ અને મામલતદારની ટીમો સ્થળ પર પહોંચી હતી, પરંતુ ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાથી આગ પર કાબૂ મેળવવો પડકારજનક હતો. જોકે, સદનસીબે આ આગ વહેલી સવારે કુદરતી રીતે જ ઓલવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આગ શાંત પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં કુદરતી સંપત્તિનું ભારે ધોવાણ થઈ ચૂક્યું હતું.
આ ઘટના અંગે ખાંભાના મામલતદાર એમ.ડી. ભાલોડીએ જણાવ્યું હતું કે, મામલતદારની ટીમ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી છે અને નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. આ આગ કુદરતી રીતે લાગી છે કે કોઈ માનવીય ભૂલને કારણે, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.