ઓટો સેક્ટરમાં ભાવ વધારાની હોડ! ટાટા બાદ હવે 'Hyundai'ની કાર માટે પણ ખર્ચવા પડશે વધુ રૂપિયા!
ઓટોમોબાઈલ સેક્ટરમાં ટાટા મોટર્સ દ્વારા કિંમતોમાં વધારાની જાહેરાત બાદ હવે દક્ષિણ કોરિયાની દિગ્ગજ કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પણ તેની તમામ ગાડીઓના ભાવ વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ વધતા ઇનપુટ કોસ્ટ (ઉત્પાદન ખર્ચ) ને જવાબદાર ગણાવીને મે 2026 થી ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, કંપનીએ ચોથા ક્વાર્ટરમાં વેચાણના શાનદાર આંકડા પણ રજૂ કર્યા છે. હ્યુન્ડાઈની કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે માઠા સમાચાર છે. કંપનીએ તેની રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે, મે 2026થી ગાડીઓની કિંમતમાં 1 ટકા સુધીનો વધારો કરવામાં આવશે.
આ ભાવ વધારો કંપનીના તમામ મોડલ્સ અને વિવિધ વેરિએન્ટ્સ પર લાગુ કરવામાં આવશે, કંપનીના જણાવ્યા અનુસાર, કાર બનાવવા માટે જરૂરી કાચા માલ અને અન્ય ઈનપુટ કોસ્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. હ્યુન્ડાઈએ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો પર ઓછો બોજ પડે તે માટે કંપનીએ અત્યાર સુધી મોટો ભાગ પોતે ઉઠાવ્યો હતો, પરંતુ હવે વર્તમાન પરિસ્થિતિમાં કિંમતોમાં થોડો વધારો કરવો અનિવાર્ય બન્યો છે. કિંમતોમાં વધારાની જાહેરાત વચ્ચે હ્યુન્ડાઈએ વેચાણના આંકડા પણ જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2025.26 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીએ કુલ 2,08,275 યૂનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 8.7 ટકા નો વધારો દર્શાવે છે.
કંપનીની લોકપ્રિય ગાડીઓની માંગ સતત વધી રહી છે.માર્ચના સિંગલ મહિનાના આંકડા જોઈએ તો, હ્યુન્ડાઈએ કુલ 69,004 યૂનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષના સમાન ગાળા કરતા 2.5 ટકા વધુ છે. માર્ચમાં ઘરેલૂ વેચાણ 55,064 યૂનિટ્સ રહ્યું હતું, જેમાં 6.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે દરેક મોડલ અને તેના વેરિએન્ટના આધારે ભાવ વધારો અલગ-અલગ હોઈ શકે છે. 1 ટકાનો વધારો સામાન્ય લાગી શકે છે, પરંતુ તેનાથી ગાડીની ઓન-રોડ કિંમતમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. જે લોકો હ્યુન્ડાઈની નવી કાર લેવાનું વિચારી રહ્યા છે, તેમના માટે એપ્રિલ મહિનો ખરીદી માટે શ્રેષ્ઠ છે. મે મહિનાથી નવો ભાવ વધારો અમલમાં આવતા ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે. ટાટા અને હ્યુન્ડાઈ બાદ હવે અન્ય કંપનીઓ પણ કિંમતોમાં વધારો કરે તેવી શક્યતા છે.