April 1, 2026
ગુજરાત

IITE ગાંધીનગરનો 8મો દીક્ષાંત સમારોહ: રાજ્યપાલની ઉપસ્થિતિમાં 223 ભાવી શિક્ષકોને ડિગ્રી એનાયત

06:43:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">IITE ગાંધીનગરનો 8મો દીક્ષાંત સમારોહ:</span> રાજ્યપાલની ઉપસ્થિતિમાં 223 ભાવી શિક્ષકોને ડિગ્રી એનાયત</strong></p>

ગાંધીનગરના ટાઉન હોલ ખાતે 1 એપ્રિલ 2026, બુધવારના રોજ ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાનનો 8મો દિક્ષાંત સમારોહ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલ અને IITE ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી તેમજ કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં કુલ 223 વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

223 વિદ્યાર્થીઓને પદવી એનાયત, કુલપતિએ કર્યું માર્ગદર્શન 

કાર્યક્રમની શરૂઆતમાં IITE ના કુલપતિ ડૉ. મુકેશ પટેલ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે યુનિવર્સિટીના ભાવી વિકાસ અને શિક્ષણક્ષેત્રે નવા પ્રયાસો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમારોહમાં વિવિધ કોર્સના 223 ભાવી શિક્ષકોને ડિગ્રી અપાઈ હતી. જેમાં B.Sc.-B.Ed. ના 80, B.A.-B.Ed. ના 60, M.Sc.-M.Ed. ના 49, M.A.-M.Ed. ના 6, B.Ed.-M.Ed. ના 13 અને Ph.D. ના 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે વિખ્યાત ભાગવતાચાર્ય અને શિક્ષણવિદ્ પૂજ્ય રમેશભાઈ ઓઝાએ વિડીયો સંદેશ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.

શિક્ષણ રાષ્ટ્ર નિર્માણનું સાધન છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં ભાવી શિક્ષકોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવાનું સાધન નથી, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સંકલ્પ, શ્રમ અને મૂલ્યોના આધારે આગળ વધવા જણાવ્યું હતું. આ સાથે જ વિવિધ ઉદાહરણો આપીને સગવડિયા ધર્મને બદલે માનવમૂલ્યોને પ્રાધાન્ય આપવાનો ઉત્કૃષ્ટ સંદેશ પણ આપ્યો હતો.

IITE ની શૈક્ષણિક પ્રગતિ અને NEP-2020 નો પ્રસ્તાવ રજૂ કરાયો 

સમારોહના મુખ્ય અતિથિ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ IITE ની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની શૈક્ષણિક પ્રગતિની નોંધ લીધી હતી. તેમણે સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો અને સેમિનારોની સિદ્ધિઓ વર્ણવીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, આ ઐતિહાસિક સમારોહમાં 'નમો માતૃભૂમિ મિશન શારદામ પરિયોજના' તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020) ના રૂપાંતરણ પ્રસ્તાવને ગુજરાત સરકાર સમક્ષ પ્રસ્તુત કરવાનું મહત્વનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા પદક વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આભારવિધિ અને રાષ્ટ્રગાન સાથે સમારોહનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. આ નવા પ્રશિક્ષિત શિક્ષકો આગામી સમયમાં રાજ્યના શિક્ષણક્ષેત્ર અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે તેવી અપેક્ષા છે.