આ દેશમાં 'ફાંદ' હોવી એ સન્માનની વાત: જેનું પેટ સૌથી મોટું, તે સૌથી હેન્ડસમ પુરુષ
દુનિયાના ખૂણેખૂણે એવી અનેક જનજાતિઓ વસે છે જેની પરંપરાઓ આપણને આશ્ચર્યમાં મૂકી દે તેવી હોય છે. જ્યારે આખી દુનિયા અત્યારે ફિટનેસ અને 'ઝીરો ફિગર' પાછળ ઘેલી છે, ત્યારે એક એવી પણ જગ્યા છે જ્યાં મેદસ્વીતા એ ગર્વની વાત છે. આદિવાસી સંસ્કૃતિના આ અનોખા રિવાજો દર્શાવે છે કે સુંદરતા અને શક્તિના માપદંડો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિવેશ મુજબ બદલાતા રહે છે.
આજના યુગમાં પુરુષો સિક્સ-પેક એબ્સ બનાવવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે, પરંતુ ઇથોપિયાની 'બોડી જનજાતિ' (Bodi Tribe) માં ચિત્ર સાવ ઉલટું છે. અહીં સુંદરતાનું માપદંડ સિક્સ-પેક એબ્સ નહીં, પણ બહાર નીકળેલું મોટું પેટ છે. આ જનજાતિમાં જે પુરુષનું પેટ સૌથી વધુ ફૂલેલું હોય, તેને જ સૌથી આકર્ષક અને શક્તિશાળી માનવામાં આવે છે.
લોહી અને દૂધનું અનોખું 'એનર્જી ડ્રિંક':
પોતાનું વજન ઝડપથી વધારવા માટે આ જનજાતિના પુરુષો એક ચોંકાવનારી ડાયટ ફોલો કરે છે. તેઓ ગાયના તાજા દૂધમાં તેનું લોહી ભેળવીને પીવે છે. આ મિશ્રણ તેમને અત્યંત કેલરી આપે છે, જેનાથી તેમનું વજન અને પેટની સાઈઝ ઝડપથી વધે છે. નોંધનીય છે કે તેઓ આ પ્રક્રિયા માટે ગાયને મારતા નથી, પણ તેની નસમાંથી લોહી કાઢીને ફરી તેને રૂઝવી દે છે.
'કાએલ ઉત્સવ' માટે 06 મહિનાની આકરી સાધના:
આ જનજાતિમાં 'કાએલ' (Ka'el) નામનો એક ખાસ ઉત્સવ ઉજવાય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પુરુષોએ 06 મહિના સુધી એક ઝૂંપડીમાં અલગ રહેવું પડે છે. આ સમય દરમિયાન તેમને કોઈપણ શારીરિક શ્રમ કરવાની મનાઈ હોય છે. તેમનો એકમાત્ર હેતુ બસ ખાવું, સૂવું અને પેટ મોટું કરવાનો હોય છે.
વિજેતા બને છે કબીલાનો 'સુપરમોડેલ':
ઉત્સવના દિવસે આ પુરુષો પોતાના શરીર પર રાખ અને માટી લગાવીને પારંપરિક નૃત્ય કરે છે. જે પુરુષનું પેટ સૌથી મોટું સાબિત થાય, તેને કબીલાનો 'હીરો' જાહેર કરવામાં આવે છે. વિજેતાને આજીવન માન-સન્માન મળે છે. એટલું જ નહીં, કબીલાની યુવતીઓમાં આ મોટા પેટવાળા પુરુષો સાથે લગ્ન કરવા માટે ભારે પડાપડી થતી હોય છે, કારણ કે અહીં મોટું પેટ એ સમૃદ્ધિ અને મર્દાનગીની નિશાની છે.