ગુડ ન્યૂઝ: રશિયા અને વેનેઝુએલાથી તેલની રેલમછેલ, પેટ્રોલ-ડીઝલની અછત ડર ખતમ
વર્તમાનમાં ઈરાન યુદ્ધ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શિપિંગ સેવાઓ ખોરવાવાને કારણે વિશ્વ ઈતિહાસના સૌથી મોટા તેલ સંકટનો સામનો કરી રહ્યું છે. ભારત પોતાની જરૂરિયાતનું 90% ક્રૂડ ઓઈલ આયાત કરતું હોવાથી આ સ્થિતિ ગંભીર હતી, પરંતુ ભારતીય કંપનીઓએ સમયસૂચકતા વાપરી રશિયા અને વેનેઝુએલા સાથે મોટા સોદા પાર પાડ્યા છે. તેલના મોરચે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી આશરે 60 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે. ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ માર્ચમાં રશિયા પાસેથી કરવામાં આવેલી આ ખરીદી બમણી છે, આ વિશાળ જથ્થો આગામી એપ્રિલ મહિનામાં ભારતીય બંદરો પર પહોંચશે.
રશિયા ઉપરાંત ભારતે દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા પાસેથી પણ 8 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે. ઓક્ટોબર 2020 પછી વેનેઝુએલા સાથે કરવામાં આવેલી આ સૌથી મોટી ખરીદી છે. આ પુરવઠો પણ એપ્રિલ મહિનામાં ભારતને મળશે, જે દેશની ઈંધણની જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અમેરિકાએ ભારત સહિત અન્ય દેશોને 5 થી 12 માર્ચ પહેલાં લોડ થયેલું રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની વિશેષ છૂટ આપી હતી. આ સમયગાળાનો લાભ લઈને ભારતે મહત્તમ જથ્થો સુરક્ષિત કરી લીધો છે.
યુએસ દબાણ છતાં ઈરાન યુદ્ધની સ્થિતિએ ભારતને ફરી એકવાર રશિયન માર્કેટ તરફ વળવાની ફરજ પાડી છે. રશિયા તેના 'મિત્ર' ભારત પાસેથી હાલમાં પ્રીમિયમ ચાર્જ વસૂલ કરી રહ્યું છે. ભારતીય રિફાઇનરીઓએ બ્રેન્ટ ક્રૂડના ભાવ કરતાં પ્રતિ બેરલ 5 થી 15 ડોલર વધુ ચૂકવીને આ તેલ ડિસેમ્બરમાં રશિયન તેલ ખરીદવાનું બંધ કરનાર મેંગલોર રિફાઇનરી અને હિન્દુસ્તાન મિત્તલ એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ ફરીથી ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધોને કારણે સાઉદી અને ઈરાક પાસેથી પુરવઠો મેળવવો મુશ્કેલ બનતા રશિયન તેલ એકમાત્ર મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે .
આગામી ઘણા વર્ષો સુધી ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની શક્યતા નહિવત્ છે. રશિયા ભારત પાસેથી અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમતો વસૂલ કરી રહ્યું છે. જોકે, ભારતીય અધિકારીઓને આશા છે કે જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રશિયન તેલ પર અમેરિકી ડિસ્કાઉન્ટ કે મુક્તિ ચાલુ રહેશે.