April 7, 2026
ભારત

ભારત બન્યું ચિત્તાઓનું નવું ગઢ : ચિત્તાઓની સંખ્યા 50ને પાર, 30થી વધુનો જન્મ ભારતમાં જ થયો...

01:05:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભારત બન્યું ચિત્તાઓનું નવું ગઢ </strong></span>: ચિત્તાઓની સંખ્યા 50ને પાર, 30થી વધુનો જન્મ ભારતમાં જ થયો...</p>

વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસે કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી આવેલા મહેમાનોને મુક્ત કરીને જે ઐતિહાસિક પહેલ કરી હતી, તે આજે ચાર વર્ષ બાદ એક વિશાળ વટવૃક્ષ બનીને ઉભરી છે. એપ્રિલ 2026 સુધીમાં ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા 53 પર પહોંચી ગઈ છે, જે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ભારતની દ્રઢ ઈચ્છાશક્તિનો પુરાવો છે. સૌથી ગર્વ લેવા જેવી બાબત એ છે કે આ પૈકી 33 ચિત્તા એવા છે જેમનો જન્મ ભારતની ભૂમિ પર થયો છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે દાયકાઓ પહેલા વિલુપ્ત થયેલી આ પ્રજાતિ માટે ભારતનું વાતાવરણ હવે સંપૂર્ણપણે અનુકૂળ બની ગયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસો, નિષ્ણાતોની રાત-દિવસની દેખરેખ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી આ પ્રોજેક્ટ આજે વૈશ્વિક સ્તરે સફળતાનું એક નવું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

કુનોથી ગાંધીસાગર સુધી વિસ્તરતું કુદરતી આવાસ અને સંરક્ષણ અભિયાન
ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટની સફળતા માત્ર સંખ્યા પૂરતી મર્યાદિત નથી, પરંતુ હવે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની વસ્તીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ સરકાર દ્વારા બીજા તબક્કાના વિસ્તરણ હેઠળ ગાંધીસાગર અભયારણ્યમાં 3 ચિત્તાઓને સફળતાપૂર્વક સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ડો. મોહન યાદવના નેતૃત્વમાં હવે ત્રીજા સ્થળ તરીકે રાણી દુર્ગાવતી અભ્યારણ્યની પસંદગી કરવામાં આવી છે, જ્યાં ટૂંક સમયમાં ચિત્તાઓના નવા સમૂહને મુક્ત કરવામાં આવશે. આ વ્યુહાત્મક વિસ્તરણથી ચિત્તાઓને મોકળું મેદાન મળશે અને જૈવવિવિધતામાં પણ સંતુલન જળવાશે. આ સફળતા માત્ર પર્યાવરણ પૂરતી સીમિત નથી; મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ 'કુનો ફોરેસ્ટ રીટ્રીટ' અને ટેન્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સને કારણે પ્રવાસનને નવી પાંખો મળી છે. પ્રવાસીઓ હવે જંગલની વચ્ચે રહીને ચિત્તાઓના સાનિધ્યનો અનુભવ કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો આવ્યો છે.

સચિવ, મુખ્યમંત્રી અને પ્રવાસન તથા મેનેજિંગ ડિરેક્ટર, મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ ડૉ. ઇલૈયારાજા ટી.એ જણાવ્યું હતું કે, "કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા સ્થળાંતર પ્રોજેક્ટની અભૂતપૂર્વ સફળતાએ રાજ્યમાં વન્યજીવન અને પ્રકૃતિ આધારિત પર્યટનને એક નવી ઓળખ આપી છે. આ અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે, મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડે કુનો ફોરેસ્ટ રીટ્રીટની સ્થાપના કરી છે, જ્યાં પ્રવાસીઓ જંગલની નજીક વન્યજીવનનો અનુભવ કરી શકે છે અને તેનો આબેહૂબ અને અધિકૃત રીતે અનુભવ કરી શકે છે. આ પહેલ માત્ર પર્યટનને પ્રોત્સાહન આપી રહી નથી પરંતુ સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની નવી તકો પણ ઉભી કરી રહી છે." 

ગુજરાતના કચ્છમાં ચિત્તાઓના આગમનની તૈયારી અને ભવિષ્યની રૂપરેખા
મધ્યપ્રદેશની સફળતા બાદ હવે ગુજરાત પણ આ ગૌરવશાળી પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે સજ્જ બન્યું છે. કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં આશરે 600 હેક્ટર વિસ્તારમાં અત્યાધુનિક બ્રીડિંગ સેન્ટર વિકસાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં આફ્રિકાથી વધુ 8-10 ચિત્તાઓને ગુજરાતની ધરતી પર લાવવામાં આવશે, જે પશ્ચિમ ભારતના પર્યટન અને વન્યજીવ નકશાને બદલી નાખશે. ગ્વાલિયર, ઓરછા અને ચંદેરી જેવા પ્રવાસન સ્થળો સાથે જોડાયેલું આ નેટવર્ક વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આમ, ભારતે માત્ર લુપ્ત પ્રજાતિને પુનઃસ્થાપિત નથી કરી, પરંતુ પ્રકૃતિના જતન સાથે આર્થિક સમૃદ્ધિનો એક નવો માર્ગ પણ કંડાર્યો છે, જે આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.