કઝાકિસ્તાને ભારત માટે ખોલ્યો યુરેનિયમનો ખજાનો: કંપનીની કુલ સંપત્તિના 50% થી વધુનો સોદો, ચીન માટે ઉર્જા સંકટના એંધાણ?

ભારતની પરમાણુ ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનવાની દિશામાં એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. વિશ્વના સૌથી મોટા યુરેનિયમ ઉત્પાદક દેશ કઝાકિસ્તાને ભારતને આગામી અનેક વર્ષો સુધી યુરેનિયમનો અખૂટ ભંડાર આપવા માટે મંજૂરી આપી દીધી છે. કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની Kazatomprom ના શેરધારકોએ 92.9% મતો સાથે ભારત સાથેની આ મેગા ડીલ પર મહોર મારી છે. આ સોદો એટલો વિશાળ છે કે તેની કિંમત કંપનીની કુલ સંપત્તિના 50% થી પણ વધુ છે.
ભારતના પરમાણુ પ્લાન્ટ્સ માટે ઈંધણની ચિંતા કાયમી ધોરણે દૂર કરનારી આ સમજૂતીએ વૈશ્વિક સ્તરે ચીન જેવા હરીફ દેશોને સ્તબ્ધ કરી દીધા છે, કારણ કે હવે વૈશ્વિક યુરેનિયમ બજારમાં ભારતનો દબદબો અનેકગણો વધી જશે. આ સોદો એટલો પ્રચંડ છે કે તેને મંજૂરી આપવા માટે કંપનીના શેરધારકોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપનીના શેરધારકોની બેઠકમાં 92.9% મતો સાથે ભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી છે.
આ સોદાની આર્થિક કિંમત Kazatomprom કંપનીની કુલ સંપત્તિના 50% કરતા પણ વધુ હોવાનું મનાય છે. આ કરાર ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ હેઠળના ડિરેક્ટોરેટ ઓફ પર્ચેઝ એન્ડ સ્ટોર્સ સાથે કરવામાં આવ્યો છે. ભારત પોતાના પરમાણુ રિએક્ટરો ચલાવવા માટે મોટાભાગે આયાતી યુરેનિયમ પર નિર્ભર છે. કઝાકિસ્તાન વિશ્વના કુલ ઉત્પાદનમાં 40% હિસ્સો ધરાવે છે, જે ભારત માટે ઈંધણનો સૌથી વિશ્વાસપાત્ર સ્ત્રોત બનશે. આ ડીલથી ભારતના પરમાણુ પ્લાન્ટ્સને અવિરત ઈંધણ મળતું રહેશે અને દેશની વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા માટે સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતમાં મોટો વેગ મળશે.
આ સોદો ચીન માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. કઝાકિસ્તાનના ઉત્પાદનનો મોટો હિસ્સો ભારતના ફાળે જવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમની ઉપલબ્ધતા અને કિંમતો પર ભારતનો પ્રભાવ વધશે. કઝાકિસ્તાન પાસે દુનિયાનો બીજો સૌથી મોટો યુરેનિયમ ભંડાર છે અને ત્યાંની સસ્તી ખનન ટેકનીક ભારત માટે આર્થિક રીતે પણ અત્યંત ફાયદાકારક સાબિત થશે.