ડિજિટલ પેમેન્ટ્સમાં ભારતનો નવો વિક્રમ: નાણાં વર્ષ 2026માં UPI ટ્રાન્ઝેક્શન 240 અબજ થવાની ધારણા
ડિજિટલ ઈન્ડિયાના અભિયાનમાં યુપીઆઈ (UPI) એક ક્રાંતિકારી પરિવર્તન સાબિત થયું છે. ચાની કીટલીથી લઈને મોટા શોરૂમ સુધી આજે રોકડને બદલે સ્કેનર અને મોબાઈલ નંબર પર થતા પેમેન્ટ્સ ભારતીય અર્થતંત્રની નવી ઓળખ બની ગયા છે. યુપીઆઈના વધતા વ્યાપને કારણે બેન્કિંગ વ્યવહારો અત્યંત સરળ, સુરક્ષિત અને ઝડપી બન્યા છે, જેણે દેશમાં 'કેશલેસ ઈકોનોમી'ના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારતમાં ડિજિટલ વ્યવહારોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026 પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ના માધ્યમથી થતા વ્યવહારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અંદાજ મુજબ, આ વર્ષે કુલ વ્યવહારની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ 30% વધીને 240 અબજ સુધી પહોંચી શકે છે.
વર્ષ દર વર્ષનો પ્રગતિ ગ્રાફ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના ડેટા મુજબ, યુપીઆઈ વ્યવહારોમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિ જોવા મળી રહી છે:
નાણાં વર્ષ 2024: 131 અબજ વ્યવહારો.
નાણાં વર્ષ 2025: 185 અબજ વ્યવહારો.
નાણાં વર્ષ 2026 (અંદાજિત): 240 અબજ વ્યવહારો.
દૈનિક વ્યવહારોમાં નોંધપાત્ર ઉછાળો
ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ દૈનિક વ્યવહારોની સંખ્યા 65.70 કરોડ નોંધાઈ છે, જે અગાઉના વર્ષે 50.60 કરોડ હતી. રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં પહેલીવાર દૈનિક ટ્રાન્ઝેક્શનનો આંકડો 80 કરોડને પાર કરી ગયો છે. અગાઉ August 2025 ના પ્રથમ સપ્તાહમાં આ સંખ્યા 70 કરોડ સુધી પહોંચી હતી.
કરોડોની લેણદેણ અને ભવિષ્યના લક્ષ્યાંકો
સરકારી આંકડાઓ મુજબ, ડિસેમ્બર સુધીમાં યુપીઆઈ દ્વારા કુલ 230 લાખ કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહાર પાર પડ્યા છે. જે રીતે યુપીઆઈનો સ્વીકાર વધી રહ્યો છે, તે જોતા સરકાર અને NPCI દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું 'દૈનિક 100 કરોડ વ્યવહાર' નું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક આગામી નાણાકીય વર્ષમાં સિદ્ધ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.