દેશમાં 100 નવી સૈનિક સ્કૂલો સ્થાપીને દેશભક્તિના સંસ્કારોનું સિંચન કરાશે: રક્ષામંત્રીની જાહેરાત
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશભક્તિના મૂલ્યોને વધુ મજબૂત કરવા માટે ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત કરી છે. સૈનિક સ્કૂલ ઘોડાખાલના હીરક મહોત્સવ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવા જઈ રહી છે અને નેશનલ કેડેટ કોરના વ્યાપમાં પણ મોટો વિસ્તાર કરવામાં આવશે. રાજનાથ સિંહે NCC ના વિસ્તરણ અંગે માહિતી આપતા કહ્યું કે, અમે NCC માં ખાલી જગ્યાઓની સંખ્યામાં ધરખમ વધારો કર્યો છે.
અગાઉ ભરતીનો લક્ષ્યાંક 17 લાખ કેડેટ્સનો હતો, જેને હવે વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે." આ પગલાથી દેશના વધુમાં વધુ યુવાનોને રાષ્ટ્ર નિર્માણના સંસ્કારો અને સૈન્ય તાલીમ મેળવવાની તક મળશે. સૈન્યલક્ષી શિક્ષણને જન-જન સુધી પહોંચાડવા માટે સરકારે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ 100 નવી સૈનિક શાળાઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સંસ્થાઓ માત્ર સંરક્ષણ દળો માટે જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ નેતૃત્વ પૂરું પાડવા માટે યુવાનોને સક્ષમ બનાવશે.
મહિલા સશક્તિકરણની નવી દિશા
સૈનિક શાળાઓમાં છોકરીઓના પ્રવેશને મંજૂરી આપવાના નિર્ણયને રાજનાથ સિંહે ક્રાંતિકારી ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં મોટું સીમાચિહ્ન છે. આપણી દીકરીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ દરેક ક્ષેત્રમાં દીકરાઓની સમોવડી છે અને દેશની રક્ષા માટે સજ્જ છે."
ઘોડાખાલ સૈનિક સ્કૂલનું પ્રદાન
શાળાના ગૌરવશાળી ઈતિહાસની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઘોડાખાલ સૈનિક સ્કૂલે અત્યાર સુધીમાં 800 થી વધુ વિદ્યાર્થીઓ NDA ને આપ્યા છે, જ્યારે 2000 થી વધુ કેડેટ્સ CDS અને AFCAT દ્વારા દેશની વિવિધ પાંખોમાં સેવા આપી રહ્યા છે.
યુવાનોને મંત્ર: ‘હંમેશા તૈયાર રહો’
કેડેટ્સમાં જોશ ભરતા રક્ષા મંત્રીએ શિસ્ત અને તત્પરતા પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને "તૈયાર રહો, હંમેશા તૈયાર રહો" નો મંત્ર આપતા કહ્યું કે, એક સશક્ત રાષ્ટ્ર ત્યારે જ બને છે જ્યારે તેના નાગરિકો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે માનસિક અને શારીરિક રીતે સજ્જ હોય.