આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પાકિસ્તાનને જવાબ
ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપવાનું અને ટેકો આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી બંને દેશો વચ્ચેની ઐતિહાસિક સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવીને જળ વિવાદ મામલે આકરા પ્રહારો કર્યા હતા.
માનવ જીવનની પવિત્રતા જાળવવી એ પ્રથમ શરત
વિશ્વ જળ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં બોલતા, યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશે પાકિસ્તાન પર સીધો નિશાન સાધ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાને જળ સંધિ અંગે કોઈ પણ ચિંતા વ્યક્ત કરતા પહેલા માનવ જીવનની પવિત્રતા જાળવી રાખવી જોઈએ. પાકિસ્તાનને આતંકવાદનું 'વૈશ્વિક કેન્દ્ર' ગણાવતા તેમણે આડકતરી રીતે ચીમકી આપી હતી કે આતંકવાદ અને સંવાદ એકસાથે ચાલી શકે નહીં.
1960 ની સંધિનું પાકિસ્તાન દ્વારા વારંવાર ઉલ્લંઘન
ભારતની ભૂમિકા સ્પષ્ટ કરતા પ્રતિનિધિ હરીશે જણાવ્યું હતું કે, ભારતે વર્ષ 1960 માં સંપૂર્ણ સદ્ભાવના અને પાડોશી ધર્મ નિભાવવાના હેતુથી આ ઐતિહાસિક જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ, પાકિસ્તાને તેનો સતત દુરુપયોગ કરી વારંવાર યુદ્ધો અને આતંકવાદી હુમલાઓ દ્વારા આ કરારની ભાવનાને નબળી પાડી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભયાનક પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આકરૂં વલણ અપનાવીને આ કરારની કામગીરીને સ્થગિત કરી દીધી હતી.
સંધિમાં સુધારાના ભારતના પ્રયાસોને પાકિસ્તાને નકાર્યા
બદલાતા સમય, પર્યાવરણીય ફેરફારો અને નવી ટેકનોલોજીકલ પ્રગતિને ધ્યાનમાં રાખીને ભારતે આ જૂની સંધિમાં જરૂરી સુધારા કરવા માટે ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, પાકિસ્તાને ભારતના આ હકારાત્મક અને સમયાનુકૂળ પ્રયાસને પણ નકારી કાઢ્યો હોવાનો ખુલાસો હરીશે પોતાના સંબોધનમાં કર્યો હતો.
'જળ જીવન મિશન' હેઠળ સુરક્ષિત પાણી માટે ભારતની પ્રતિબદ્ધતા
એક તરફ પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ ફેલાવી રહ્યું છે, તો બીજી તરફ ભારત પોતાના નાગરિકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હરીશે વિશ્વ મંચ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર 'જળ જીવન મિશન' હેઠળ દેશના છેવાડાના નાગરિકો સુધી સુરક્ષિત અને સ્વચ્છ પીવાના પાણીની પહોંચ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં દેશે નોંધપાત્ર પ્રગતિ પણ હાંસલ કરી છે.