રાજકોટના આંગણે ફરી જામશે ક્રિકેટ જંગ! 22 ડિસેમ્બરે ભારત-શ્રીલંકા વચ્ચે નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે પ્રથમ T20 મેચ
રંગીલા રાજકોટના ક્રિકેટ ચાહકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, લાંબા સમયના વિરામ બાદ રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી આગામી T20 ઇન્ટરનેશનલ સીરિઝની પ્રથમ મેચ માટે રાજકોટની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. રાજકોટમાં લગભગ 11 મહિનાના લાંબા અંતરાલ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમાવા જઈ રહી છે. છેલ્લે રમાયેલી મેચો બાદ ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી ટીમ ઈન્ડિયાના હોમ ગ્રાઉન્ડ પરના મુકાબલાની રાહ જોઈ રહ્યા હતા.
હવે આગામી 22 ડિસેમ્બરના રોજ ભારત અને શ્રીલંકાની ટીમો નિરંજન શાહ સ્ટેડિયમની બેટિંગ ફ્રેન્ડલી પીચ પર આમને-સામને ટકરાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ T20 સીરિઝની આ પ્રથમ મેચ હશે, જેનો પ્રારંભ રાજકોટથી થશે. આ મેચ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સ્ટેડિયમની પીચ, આઉટફિલ્ડ અને પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થાને આખરી ઓપ આપવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.રાજકોટનું આ મેદાન હંમેશા હાઈ-સ્કોરિંગ મેચો માટે જાણીતું રહ્યું છે, ત્યારે 22 ડિસેમ્બરે યોજાનારી આ મેચમાં પણ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલશે તેવી અપેક્ષા છે. ટિકિટના વેચાણ અને અન્ય વિગતો અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.