ભારતીય નૌસેનાની 'ત્રિશક્તિ': એક જ દિવસમાં ત્રણ અત્યાધુનિક યુદ્ધ જહાજો નેવીમાં સામેલ
વર્તમાન સમયમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભૌગોલિક અને રાજકીય સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ચીન જેવા દેશોની વધતી સક્રિયતા વચ્ચે ભારત માટે પોતાની દરિયાઈ સરહદોનું રક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ યુદ્ધ જહાજોનું નિર્માણ માત્ર સૈન્ય શક્તિ જ નથી વધારતું, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની એક મજબૂત દરિયાઈ સત્તા તરીકેની ઓળખ પણ પ્રસ્થાપિત કરે છે.
ભારતીય નૌસેના માટે સોમવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) દ્વારા તૈયાર કરવામાં આવેલા ત્રણ શક્તિશાળી જહાજો એકસાથે નેવીને સોંપવામાં આવ્યા છે. આ નવા સભ્યોના આગમનથી હિંદ મહાસાગરમાં ભારતની દેખરેખ અને પ્રહાર ક્ષમતામાં અનેકગણો વધારો થશે.
1. દુનાગિરી: સમુદ્રનું અદ્રશ્ય યોદ્ધા (સ્ટીલ્થ ફ્રિગેટ)
પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત આ પાંચમું 'નીલગિરી-ક્લાસ' ફ્રિગેટ છે. 149 મીટર લાંબુ અને 6,670 ટન વજન ધરાવતું આ જહાજ રડારની નજરમાં આવ્યા વગર દુશ્મન પર ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. તે બ્રહ્મોસ મિસાઇલ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીથી સજ્જ છે, જે હવા અને પાણીની અંદર બહુ-પરિમાણીય ઓપરેશનો કરી શકે છે.
2. અગ્રેય: સબમરીનનો કાળ
'અરનાલા' વર્ગનું આ ચોથું એન્ટી-સબમરીન જહાજ છે. 77 મીટર લાંબુ આ વોરશિપ ખાસ કરીને છીછરા પાણીમાં દુશ્મન સબમરીનને શોધવા અને તેને નષ્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તે સ્વદેશી રોકેટ લોન્ચર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે, જે દરિયાકાંઠાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે.
3. સંશોધક: દરિયાઈ માર્ગોનો ભોમિયો
આ એક વિશાળ સર્વે જહાજ (LSV) છે, જેનું કામ સમુદ્રના ઊંડા પાણીમાં હાઇડ્રોગ્રાફિક સર્વે કરવાનું છે. 110 મીટર લંબાઈ ધરાવતું 'સંશોધક' અત્યાધુનિક અંડરવોટર વ્હીકલ્સ અને ડિજિટલ સોનાર દ્વારા દરિયાઈ નકશા તૈયાર કરશે, જે નૌસેનાના ઓપરેશન્સ અને નાગરિક જહાજોના નેવિગેશન માટે અત્યંત જરૂરી છે.
મેક ઇન ઇન્ડિયાનો દબદબો
આ ત્રણેય જહાજોના નિર્માણમાં 75% થી 80% જેટલી સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. GRSE હાલમાં અન્ય 30 જેટલા જહાજો પર કામ કરી રહ્યું છે, જેમાંથી ઘણા નિકાસ માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પ્રગતિ દર્શાવે છે કે ભારત હવે શિપબિલ્ડિંગ ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા તરફ અગ્રેસર છે.