ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ: દરરોજ 25,000 ટ્રેનોનું સંચાલન, કનેક્ટિવિટી અને સલામતીમાં મોટો સુધારો
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેની છેલ્લા નાણાકીય વર્ષની કામગીરી અને પરિવર્તનશીલ પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપી છે. ભારતીય રેલવે હવે દરરોજ 25,000 જેટલી ટ્રેનો દોડાવીને દેશભરમાં કનેક્ટિવિટીનું એક મજબૂત માળખું ઊભું કરી રહી છે. આ ઉપરાંત નૂર પરિવહન, મુસાફરોની સુવિધા, વંદે ભારત સેવાઓનું વિસ્તરણ અને સલામતીના ક્ષેત્રે પણ ઐતિહાસિક રેકોર્ડ નોંધાયા છે.
નૂર પરિવહનમાં નવો રેકોર્ડ: 1670 મિલિયન ટનનું લોડિંગ
રેલવે મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માં ભારતીય રેલવેએ માલસામાનના પરિવહનમાં એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન રેલવેએ કુલ 1670 મિલિયન ટન માલસામાનનું લોડિંગ કર્યું છે. આ આંકડો દર્શાવે છે કે દેશના આર્થિક વિકાસ અને લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈનમાં રેલવેનો ફાળો સતત વધી રહ્યો છે.
સ્વદેશી ઉત્પાદન અને 'કવચ' સિસ્ટમથી સુરક્ષામાં વધારો
ભારતીય રેલવેએ 1500 થી વધુ લોકોમોટિવ અને 6600 થી વધુ LHB કોચનું સ્વદેશી ઉત્પાદન કરીને પોતાની ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત કરી છે. બીજી તરફ, ટ્રેન ઓપરેશનલ સલામતી વધારવાના અને અકસ્માતો નિવારવાના હેતુથી દેશના 3000 કિલોમીટરના રેલવે રૂટ પર સ્વદેશી નિર્મિત ‘કવચ’ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.
વિકાસના નવા આયામ: 35 કાર્ગો ટર્મિનલ અને 119 સ્ટેશનોનો પુનઃવિકાસ
સોશિયલ મીડિયા પર માહિતી આપતાં રેલવે મંત્રી શ્રી વૈષ્ણવે મજબૂત ટર્મિનલ માળખાગત સુવિધાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને મલ્ટિમોડલ એકીકરણને સરળ બનાવવા માટે 35 નવા 'ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ' કાર્યરત કરવામાં આવ્યા છે. વધુમાં, મુસાફરોને આધુનિક સુવિધાઓ અને બહેતર અનુભવ પૂરો પાડવા માટે 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત 119 રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવ્યો છે.