રેલવે મુસાફરો ધ્યાન આપે! આ તારીખથી બદલાઈ જશે ટિકિટ કેન્સલેશનના નિયમો, જાણો ખિસ્સા પર કેટલી પડશે અસર
ભારતીય રેલવેએ ટિકિટોની કાળાબજારી રોકવા અને દલાલો પર લગામ કસવા માટે ટિકિટ કેન્સલેશનના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. રેલવે પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને પારદર્શક રીતે ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો અને છેલ્લી ઘડીએ થતી ટિકિટોની ખોટી અદલાબદલી અટકાવવાનો છે.આ નવા નિયમો 1 એપ્રિલથી 15 એપ્રિલ, 2026 વચ્ચે દેશભરમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે, જેથી મુસાફરો આ ફેરફારોથી માહિતગાર થઈ શકે. નવા નિયમો મુજબ, જો કોઈ મુસાફર ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલા પોતાની કન્ફર્મ ટિકિટ કેન્સલ કરે છે, તો તેને મહત્તમ રિફંડ મળવાપાત્ર થશે.
આ કિસ્સામાં રેલવે દ્વારા માત્ર જે-તે શ્રેણી (ક્લાસ) મુજબનો નક્કી કરેલો લઘુત્તમ કેન્સલેશન ચાર્જ જ કાપવામાં આવશે. જો મુસાફર ટ્રેન ઉપડવાના 72 કલાકથી 24 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરાવે છે, તો રેલવે દ્વારા કુલ ભાડાના 25 ટકા રકમ કાપી લેવામાં આવશે. આમાં ન્યૂનતમ કેન્સલેશન ચાર્જ પણ સામેલ રહેશે અને બાકીની 75 ટકા રકમ મુસાફરને પરત કરવામાં આવશે, રેલવેએ ટૂંકા ગાળાના કેન્સલેશન પર નિયમો કડક કર્યા છે. જો ટિકિટ 24 કલાકથી 8 કલાક પહેલા કેન્સલ કરવામાં આવે, તો ભાડાના 50 ટકા રકમ કાપી લેવામાં આવશે.
સૌથી મહત્વની વાત એ છે કે, જો ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછો સમય બાકી હોય અને ટિકિટ કેન્સલ કરાય, તો મુસાફરને કોઈ જ રિફંડ મળશે નહીં. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દલાલો અગાઉથી મોટી સંખ્યામાં ટિકિટો બુક કરી લેતા હતા અને અંતિમ સમયે તેને કેન્સલ કરીને રિફંડ મેળવી લેતા હતા પરંતુ હવે, રેલવેના સુધારેલા નિયમો અનુસાર, હવે ટિકિટ કેન્સલ કરવા પર મળતું રિફંડ ટ્રેન ઉપડવાના બાકી રહેલા સમયના આધારે નક્કી કરવામાં આવશે
રેલવે ટિકિટ રિફંડ
72 કલાક પહેલા: માત્ર નિયત ચાર્જ કપાશે (મહત્તમ રિફંડ)
72 થી 24 કલાક: ભાડાના 25% કપાત
24 થી 8 કલાક: ભાડાના 50% કપાત
8 કલાકથી ઓછો સમય: 100% કપાત (કોઈ રિફંડ નહીં)