પર્સિયન ગલ્ફમાં તમામ 460 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: 1479 ની વતન વાપસી, 345 માછીમારો ઈરાનથી સ્વદેશ ફર્યા
પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં પ્રવર્તતી તંગ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ત્યાં રહેલા તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે. છેલ્લા 24 કલાકમાં ભારતીય ધ્વજ ધરાવતા એક પણ જહાજ સાથે કોઈ અઘટિત ઘટના નોંધાઈ નથી. આ સાથે જ 1479 થી વધુ ભારતીય ખલાસીઓ અને ઈરાનમાં ફસાયેલા 345 માછીમારોનું સફળતાપૂર્વક સ્વદેશ આગમન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
પશ્ચિમ પર્સિયન ગલ્ફમાં 17 જહાજો અને 460 ખલાસીઓ પર ચાંપતી નજર
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા રવિવારે જારી કરાયેલા નિવેદન મુજબ, હાલમાં પશ્ચિમ પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં 460 ભારતીય ખલાસીઓ સાથે કુલ 17 ભારતીય ધ્વજ ધરાવતા જહાજો છે. ડાયરેક્ટર જનરલ શિપિંગ, જહાજ માલિકો, પ્લેસિંગ એજન્સીઓ અને ભારતીય મિશન સાથે સતત સંકલન કરીને પરિસ્થિતિનું સક્રિયપણે નિરીક્ષણ કરી રહ્યા છે. મંત્રાલયે ખાતરી આપી છે કે દરિયાઈ વેપારની સાતત્યતા જાળવી રાખવાની સાથે ભારતીય ખલાસીઓની સુરક્ષા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ભારતમાં પણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ અને પુડુચેરી સહિતના તમામ બંદરો પર કામગીરી એકદમ સામાન્ય છે.
24x7 કંટ્રોલ રૂમ કાર્યરત, 1479 થી વધુ ખલાસીઓની વતન વાપસી
ખલાસીઓની સુરક્ષા અને મદદ માટે ડીજી શિપિંગનો કંટ્રોલ રૂમ 24x7 રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે. કંટ્રોલ રૂમ શરૂ થયાથી અત્યાર સુધીમાં 5088 કોલ્સ અને 10547 ઈમેઈલ હેન્ડલ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 73 કોલ અને 122 ઈમેઈલનો સમાવેશ થાય છે. ડીજી શિપિંગ દ્વારા અત્યાર સુધીમાં 1479 થી વધુ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જ પર્સિયન ગલ્ફના વિવિધ સ્થળોએથી 159 ખલાસીઓને પરત લાવવામાં આવ્યા છે.
ઈરાનથી 345 માછીમારો પરત ફર્યા, વિદ્યાર્થીઓ અને ક્રૂ મેમ્બર્સને મદદ
પશ્ચિમ એશિયા અને ગલ્ફ ક્ષેત્રમાં વિકસતી પરિસ્થિતિ પર વિદેશ મંત્રાલય દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને ભારતીયોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા અપાઈ રહી છે. ઈરાનમાં ફસાયેલા કુલ 345 ભારતીય માછીમારો શનિવારે ઘરે પરત ફર્યા હતા. તેહરાનમાં આવેલી ભારતીય એમ્બેસીની મદદથી તેમને દક્ષિણ ઈરાનથી આર્મેનિયા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ ચેન્નાઈની ફ્લાઈટ મારફતે ભારત પહોંચ્યા હતા.
આ ઉપરાંત, ભારતીય મિશન અને પોસ્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રશ્નો ઉકેલવા સ્થાનિક સત્તાવાળાઓ, શાળાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જહાજો પરના ભારતીય ક્રૂને પણ સતત કોન્સ્યુલર સપોર્ટ અને પરિવાર સાથે વાતચીતની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. કટોકટીના આ સમયમાં મિશન દ્વારા સમર્પિત કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન પણ ચલાવવામાં આવી રહી છે.