ભારતીય સ્ક્વૉશના ઉગતા સિતારાઓનો એશિયન મંચ પર દબદબો : ચિરિપાલ ગ્રૂપની ત્રિપુટી ચીનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે...

અમદાવાદના આંગણેથી રમતગમત ક્ષેત્રે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચિરિપાલ ગ્રૂપ દ્વારા સંચાલિત 'સ્ક્વૉશ એક્સિલેન્સ પ્રોગ્રામ' હેઠળ તાલીમ મેળવી રહેલી ત્રણ આશાસ્પદ યુવા મહિલા એથ્લેટ્સની આગામી 33મી જુનિયર એશિયન સ્ક્વૉશ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આજે 10 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયેલા આ સમાચારથી ગુજરાત સહિત સમગ્ર દેશના રમતજગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આગામી 20થી 24મે દરમિયાન ચીનમાં યોજાનાર છે, જ્યાં આ ખેલાડીઓ એશિયાના શ્રેષ્ઠ પ્રતિભાઓ સામે ટકરાશે.
ચેન્નાઈની દીવા પારસમ્પુરિયા
આ પસંદગી પામેલી ત્રિપુટીમાં રાંચીની આદ્યા બુધિયા, જે ગર્લ્સ અંડર-15 કેટેગરીમાં સુદેશ કન્નાના માર્ગદર્શન હેઠળ રમી રહી છે, તેનો સમાવેશ થાય છે. તેની સાથે ચેન્નાઈની દીવા પારસમ્પુરિયા પણ અંડર-15 કેટેગરીમાં રણવિજય અને સતીશ જેવા અનુભવી કોચ પાસેથી તાલીમ મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌશલ્ય બતાવવા સજ્જ છે. જ્યારે સૌથી નાની વયની પ્રતિભા તરીકે મુંબઈની રિયા દલાલ ગર્લ્સ અંડર-13 કેટેગરીમાં અવિનાશ યાદવના કોચિંગ હેઠળ મેદાનમાં ઉતરશે. આ ચેમ્પિયનશિપ માત્ર એક ટુર્નામેન્ટ નથી, પરંતુ ઉભરતા ખેલાડીઓ માટે વિશ્વ સ્તરે પોતાની ક્ષમતા પુરવાર કરવાનું એક મજબૂત પ્લેટફોર્મ છે.
રાંચીની આદ્યા બુધિયા
ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે આ સિદ્ધિ બદલ ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સફળતા ખેલાડીઓની સખત મહેનત અને તેમના વાલીઓ તથા કોચના અતૂટ વિશ્વાસનું પરિણામ છે. ચિરિપાલ સ્ક્વૉશ એક્સિલેન્સ પ્રોગ્રામ દ્વારા જે સપોર્ટ ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે, તે હવે ધીરે ધીરે રંગ લાવી રહી છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર તાલીમ આપવાનો જ નથી, પરંતુ જમીની સ્તરથી પ્રતિભાઓને શોધીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી તરીકે તૈયાર કરવાનો છે. તેઓ ઉમેરે છે કે આ તો માત્ર એક શરૂઆત છે અને આગામી સમયમાં ભારતીય સ્ક્વૉશને વૈશ્વિક નકશા પર ટોચના સ્થાને લઈ જવાનું તેમનું વિઝન છે.
આ પ્રોગ્રામની વિશેષતા એ છે કે તે કોચિંગ ક્લિનિક્સ અને ચેમ્પિયન સપોર્ટ દ્વારા યુવા ખેલાડીઓને દરેક તબક્કે મદદરૂપ થાય છે. ભવિષ્યમાં આ પ્રોગ્રામનો વ્યાપ વધારીને જુનિયરની સાથે સીનિયર કેટેગરીના ખેલાડીઓને પણ સાંકળવામાં આવશે, જેથી તેઓ વ્યવસાયિક ટુર્નામેન્ટ્સમાં દેશનું નામ રોશન કરી શકે. ચીનમાં યોજાનારી આ ચેમ્પિયનશિપ આ ખેલાડીઓ માટે અનુભવનું ભાથું બાંધવાની સાથે ભારત માટે મેડલ જીતવાની પણ સુવર્ણ તક લઈને આવી છે. સંસ્થાના લાંબાગાળાના પ્રયાસો હવે ભારતીય સ્ક્વૉશના વિકાસ માટે એક સ્થાયી માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે.