ભાવનગરને મળેલી નવી વિમાની સેવા કાયમી રહે તે અત્યંત જરૂરી: યુવરાજ જયવીરસિંહ
ભાવનગરને લાંબા સમયની પ્રતીક્ષા બાદ આગામી 29 માર્ચથી નવી મુંબઈ માટે ઈન્ડિગો એરલાઇન્સની દૈનિક વિમાની સેવા મળવા જઈ રહી છે. આ સંદર્ભે નીલમબાગ પેલેસ હોટેલ ખાતે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા યોજાયેલા એક વિશેષ સમારોહમાં ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરસિંહ ગોહિલે આ હવાઈ સેવાને કાયમી ધોરણે જાળવી રાખવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
એર કનેક્ટિવિટીમાં ભવિષ્યમાં કોઈ ગેપ ન પડવો જોઈએ
કાર્યક્રમમાં સંબોધન કરતા યુવરાજ જયવીરસિંહે જણાવ્યું હતું કે, કોઈપણ શહેર કે ઉદ્યોગના વિકાસ માટે પૂરતી કનેક્ટિવિટી આવશ્યક છે. ઈન્ડિગોની આ દૈનિક ફ્લાઈટથી ભાવનગર શહેર અને જિલ્લાના પર્યટન તેમજ ઔદ્યોગિક વિકાસને મોટો વેગ મળશે. તેમણે રાજકીય પક્ષો અને એરપોર્ટ ઓથોરિટીનું ધ્યાન દોરતા સ્પષ્ટ કર્યું હતું કે, "ભવિષ્યમાં એર કનેક્ટિવિટીમાં આટલો મોટો ગેપ કદી ના પડવો જોઈએ અને આ સેવા લાંબા સમય સુધી ચાલતી રહે તે અગત્યનું છે." તેમણે યાદ અપાવ્યું કે ભાવનગરની મુંબઈ સાથે છેક 1948 થી એર કનેક્ટિવિટી રહેલી છે. સાથે જ તેમણે પર્યટનને વેગ આપવા બદલ TAAB ના પ્રયાસોને બિરદાવ્યા હતા.
ઐતિહાસિક વારસાને સાચવવા અને સેવાનો લાભ લેવા અનુરોધ
આ પ્રસંગે ઉપસ્થિત ભાવનગર સ્ટેટના કુંવરી સાહેબા બ્રિજેશ્વરી કુમારી ગોહિલે ભાવનગર સ્ટેટના ભવ્ય ઈતિહાસ અને વારસાને સાચવવા માટે તેમની ટીમ દ્વારા થઈ રહેલા પ્રયાસો તથા 'હેરિટેજ વોક' અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અપીલ કરી હતી. તદુપરાંત, તેમણે ઈન્ડિગો એરલાઇન્સને નવી સેવા શરૂ કરવા બદલ અભિનંદન પાઠવીને ભાવનગરની જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ઈન્ડિગો ટીમનું સન્માન અને TAAB ની કામગીરીની પ્રશંસા
સમારોહ દરમિયાન ઈન્ડિગો એરલાઇન્સની સેલ્સ ટીમના તરુણ અરોરા અને નિશાત મિસ્ત્રીનું યુવરાજશ્રી, કુંવરી સાહેબા અને TAAB ની ટીમ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ટીમે આ નવી ફ્લાઈટ અને તેના દેશભરના વિવિધ કનેક્શન અંગે હાજર લોકોને માહિતગાર કર્યા હતા. TAAB ના પ્રમુખ ધર્મેશ મકવાણાના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રાવેલ એજન્ટો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનદીપ શાહ અને ઉમેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ મૌલિક શેઠે કરી હતી.