સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરશે ગુજરાત: સાણંદ અને ધોલેરામાં ‘ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક’ માટે ₹1,000 કરોડના કરાર

રાજ્ય સરકારે ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ના લક્ષ્યોને સાકાર કરવા અને ગુજરાતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. સાણંદ અને ધોલેરા ખાતે ખાસ ‘ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક’ના નિર્માણ માટે મહત્વના કરાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યમાં ₹1,000 કરોડથી વધુનું વિદેશી સીધું મૂડીરોકાણ આવશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
12,000 પ્રત્યક્ષ રોજગારીના સર્જનનો લક્ષ્યાંક
તાઈવાનના સહયોગથી તૈયાર થનારા આ અત્યાધુનિક ઈન્ડસ્ટ્રીઅલ પાર્કમાં મુખ્યત્વે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના ઉદ્યોગો સ્થાપવામાં આવશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી 5 વર્ષના સમયગાળામાં અંદાજે 12,000 જેટલી પ્રત્યક્ષ રોજગારીની તકો સર્જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તાઈવાનની અગ્રણી કંપનીઓ દ્વારા કરવામાં આવનારું આ રોકાણ ગુજરાતના ઔદ્યોગિક નકશા પર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરાર સંપન્ન
આ મહત્વપૂર્ણ કરાર વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકાર વતી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારથી અને તાઈવાન તરફથી ભારતમાં ‘તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સ’ના ઉપપ્રમુખ તેમજ ‘એલિજિયન્સ ગૃપ’ના ચેરમેન સીમોન લીએ હસ્તાક્ષર કર્યા હતા. મંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, આ કરાર ગુજરાતની ટેકનોલોજીકલ સફરને વેગ આપશે અને વૈશ્વિક રોકાણકારો માટે રાજ્યને વધુ આકર્ષક બનાવશે.
સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ગુજરાત ‘ચોઈસ ઓફ ડેસ્ટિનેશન’
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાલમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદગી એટલે કે ‘ચોઈસ ઓફ ડેસ્ટિનેશન’ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યમાં આ ક્ષેત્રે હાલમાં ₹1.24 લાખ કરોડથી વધુના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે. ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્કના નિર્માણથી ભારતની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં ગુજરાતનું પ્રભુત્વ વધશે અને રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.