શું માત્ર બોલ વાગવો જ કારણ હતું? કે પછી કંઈક બીજું... જાણો ઈંગોલી ગામમાં થયેલી ફાયરિંગની ઘટનાને લઈને PI હિતુભા ગોહિલે શું કહ્યું...
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું શાંત ગણાતું ઈંગોલી ગામ ગતરોજ રવિવારના રોજ ગોળીબારના અવાજથી ધણધણી ઉઠ્યું હતું. રમતગમતના મેદાનમાં ખેલદિલીના સ્થાને જ્યારે અદાવત અને ઉશ્કેરાટ પ્રવેશે છે ત્યારે કેવા ગંભીર પરિણામો આવે છે તેનો જીવતો જાગતો પુરાવો આ ઘટનામાં જોવા મળ્યો હતો. અહીં એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે રમત દરમિયાન એક શખ્સને અકસ્માતે ક્રિકેટનો બોલ વાગતા વિવાદની તણખલી ચંપી હતી. મામલો ઉગ્ર થતા ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના યુવકે આવેશમાં આવી જઈ પોતાની પાસે રહેલું હથિયાર કાઢી જાહેરમાં હવામાં ફાયરિંગ કરતા રમતના મેદાનમાં નાસભાગ મચી ગઈ હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થયો છે, જેણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ફાયરિંગની જાણ થતા જ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને ધોળકા ડિવિઝનના DYSP સહિત ધોળકા રૂરલ પોલીસ અને એલસીબી (LCB)નો મોટો કાફલો તાત્કાલિક અસરથી ઈંગોલી ગામે પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ મામલે ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના PI હિતુભા ગોહિલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસે ગુનો નોંધીને આરોપી વહિદખાનની શોધખોળ હાથ ધરી છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે આરોપી પાસે રહેલું હથિયાર લાયસન્સ વાળું હતું કે ગેરકાયદેસર? આ અંગે PIએ સ્પષ્ટતા કરી હતી કે આરોપીની ધરપકડ થયા બાદ હથિયાર જપ્ત કરવામાં આવશે અને ત્યારબાદ જ તેની કાયદેસરતા અંગેની સત્ય હકીકત સામે આવશે. અત્યારે તો પોલીસે વીડિયો ફૂટેજના આધારે પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું છે.
આ ઘટનાએ પંથકમાં ભારે ચર્ચા જગાડી છે કે રમત જેવી બાબતોમાં પણ હથિયારોનો ઉપયોગ યુવા પેઢીમાં વધી રહેલા આક્રમક વલણનો નિર્દેશ કરે છે.