પાકિસ્તાનમાં જનતા પર ફૂટ્યો 'ઈંધણ બોમ્બ' પેટ્રોલ ₹458 અને ડીઝલ ₹520ને પાર
સૈન્ય સંઘર્ષની વૈશ્વિક અસરો હવે પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોને ટાંકીને દેશમાં ઇંધણના ભાવમાં એક જ મહિનામાં બીજી વખત તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આ ભાવવધારાએ પાકિસ્તાનની સામાન્ય જનતાની કમર તોડી નાખી છે અને મોંઘવારીનો નવો રેકોર્ડ સર્જ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓ અનુસાર, ડીઝલના ભાવમાં 54.9% નો ભયાનક વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે એક લિટર ડીઝલની કિંમત 520.35 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે.
તેવી જ રીતે, પેટ્રોલમાં પણ 42.7% નો ધરખમ વધારો કરાતા તેનો નવો ભાવ પ્રતિ લિટર 458.40 પાકિસ્તાની રૂપિયા થયો છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે આ વધારાને અનિવાર્ય ગણાવતા કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિઓ કાબૂ બહાર હોવાથી સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ સાઉદી અરેબિયા અને યુએઈ પાસેથી આયાત કરે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગેથી આવે છે. હાલમાં યુદ્ધની સ્થિતિને કારણે આ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેનાથી તેલની અછત અને ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
પાકિસ્તાનના જીડીપીમાં 24% હિસ્સો ધરાવતા ખેતીવાડી ક્ષેત્રમાં ડીઝલનો ઉપયોગ ટ્રેક્ટર અને ટ્યુબવેલ ચલાવવા માટે મોટા પાયે થાય છે. ડીઝલના ભાવ ₹520 ને પાર કરી જતાં ખેતીનો ખર્ચ અસહ્ય બની જશે, જેની સીધી અસર અનાજ અને શાકભાજીના ભાવ પર પડશે અને દેશમાં ખાદ્ય કટોકટી વધુ ઘેરી બનશે તેવી આશંકા સેવાઈ રહી છે. વધતા રોષને શાંત કરવા માટે નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કેટલીક રાહતોની જાહેરાત કરી છે. જેમાં ટુ-વ્હીલર ચલાવતા મધ્યમ વર્ગના લોકોને દર મહિને 20 લિટર સુધી પેટ્રોલ પર પ્રતિ લિટર 100 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, નાના ખેડૂતોને રાહત આપવા માટે પ્રતિ એકર 1500 રૂપિયાની વન-ટાઇમ સબસિડી આપવાનું પણ નક્કી કરાયું છે.
જોકે, નિષ્ણાતો માને છે કે મોંઘવારીના દરને જોતા આ રાહત 'ઊંટના મોઢામાં જીરું' સમાન છે. આગામી સમય પાકિસ્તાન માટે વધુ કપરો સાબિત થઈ શકે છે, કારણ કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટમાં સૈન્ય કાર્યવાહી તેજ કરવાના સંકેતો મળ્યા છે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો છે. જો વિશ્વબજારમાં તેલના ભાવ હજુ વધશે, તો પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા સ્તરે પહોંચી શકે છે, જે દેશને સંપૂર્ણ આર્થિક પતન તરફ ધકેલી શકે છે.