અરુણ જેટલી સ્ટેડિયમમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: 1 રન, 1 ભૂલ અને દિલ્હી ક્લીન બોલ્ડ!
IPL 2026ની 14મી મેચમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જબરદસ્ત જંગ ખેલાયો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. સ્ટેડિયમમાં હાજર હજારો પ્રેક્ષકોને એક હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા હતી, જે ગુજરાતે બિલકુલ સાર્થક કરી બતાવી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે મોખરે રહીને નેતૃત્વ કર્યું અને શાનદાર 70 રન ફટકાર્યા. તેને સાથ આપતા જોસ બટલરે માત્ર 27 બોલમાં 52 રનની આતશી ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, મધ્યક્રમમાં વોશિંગ્ટન સુંદરે પણ 55 રનનું મહત્વનું યોગદાન આપ્યું, જેના કારણે ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 210 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો.
211 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. ઓપનર કેએલ રાહુલે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી અને માત્ર 52 બોલમાં 92 રન બનાવીને દિલ્હીને જીતની આશા અપાવી હતી. જોકે, રાહુલ તેની સદી ચૂકી ગયો હતો, પણ તેણે મેચને એવી સ્થિતિમાં લાવી દીધી હતી જ્યાંથી દિલ્હીની જીત નિશ્ચિત જણાતી હતી. મેચ દરમિયાન ડેવિડ મિલર ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો, જેનાથી દિલ્હીના ચાહકો ચિંતામાં મુકાયા હતા. પરંતુ ટીમની જરૂરિયાત સમયે તે ફરી મેદાનમાં ઉતર્યો અને દિલ્હીને જીતાડવા માટે આક્રમક બેટિંગ શરૂ કરી. તેણે માત્ર 20 બોલમાં 41 રન ફટકારીને ગુજરાતના બોલરો પર દબાણ વધારી દીધું હતું અને મેચને છેલ્લા શ્વાસ સુધી જીવંત રાખી હતી.
મેચ જ્યારે છેલ્લી ઓવરમાં પહોંચી ત્યારે દિલ્હીને 13 રનની જરૂર હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાની આ ઓવરના પ્રથમ બોલે વિપ્રજ નિગમે ચોગ્ગો માર્યો પણ તે પછીના બોલે આઉટ થઈ ગયો. કુલદીપ યાદવે સ્ટ્રાઈક બદલીને મિલરને આપી. મિલરે ચોથા બોલે સિક્સ જેવો શોટ મારીને સમીકરણ માત્ર 2 બોલમાં 2 રન પર લાવી દીધું, જેનાથી સ્ટેડિયમમાં ઉત્તેજના ચરમસીમાએ પહોંચી હતી. પાંચમા બોલે જ્યારે 1 રન લઈને સ્કોર લેવલ કરવાની અને સ્ટ્રાઈક બદલવાની તક હતી, ત્યારે ડેવિડ મિલરે સિંગલ લેવાની ના પાડી દીધી. તેને વિશ્વાસ હતો કે તે છેલ્લા બોલે બાઉન્ડ્રી મારીને મેચ ખતમ કરી દેશે.
આ એક નિર્ણયે મેચનું આખું પાસું પલટી નાખ્યું. મિલરની આ જીદ દિલ્હી માટે જોખમી સાબિત થઈ અને છેલ્લા બોલે તે એક પણ રન બનાવી શક્યો નહીં. મેચના છેલ્લા બોલે દિલ્હીને 2 રનની જરૂર હતી, પરંતુ મિલર બોલને ફટકારવામાં નિષ્ફળ રહ્યો અને દિલ્હીની ટીમ 1 રનથી હારી ગઈ. આ સાથે ગુજરાત ટાઇટન્સે આ સિઝનની પ્રથમ જીત હાંસલ કરી, જ્યારે દિલ્હી કેપિટલ્સે જીતેલી બાજી ગુમાવીને પ્રથમ હારનો સ્વાદ ચાખવો પડ્યો. મિલરનો સિંગલ ન લેવાનો નિર્ણય સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.