IPL 2026 પહેલા 'સુપર જાયન્ટ્સ' રામ લલ્લાના શરણે....અયોધ્યા પહોંચી લખનઉની ટીમ, વિજય માટે લીધા આશીર્વાદ
આઈપીએલ સીઝન શરૂ થાય તે પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે અયોધ્યા પહોંચી ભગવાન શ્રી રામ લલ્લાના આશીર્વાદ લીધા હતા. આ ભક્તિમય મુલાકાતમાં ટીમના માલિક સંજીવ ગોએન્કા, કેપ્ટન ઋષભ પંત, ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિશેષ પૂજા-અર્ચના બાદ તમામને નવનિર્મિત મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા. વર્ષ 2022માં આઈપીએલ સાથે જોડાયેલી લખનઉની ટીમ છેલ્લા ચાર વર્ષમાં એક પણ વાર ફાઈનલ સુધી પહોંચી શકી નથી.
ગત સીઝનમાં પણ ટીમ સાતમા સ્થાને રહી પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. આ વખતે મેનેજમેન્ટે વિજયી પ્રદર્શન કરવા માટે રણનીતિ બદલી છે. ટીમ આ સિઝનમાં નવી જર્સી અને નવા લોગો સાથે મેદાનમાં ઉતરશે, જેનો ઉદ્દેશ્ય નવા ભાગ્ય અને દબદબા સાથે પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતવાનો છે. આ વર્ષે LSG ની ટીમમાં દિગ્ગજ ખેલાડીઓનો જમાવડો છે. ટીમ પાસે કેપ્ટન ઋષભ પંત ઉપરાંત નિકોલસ પૂરન, એડન માર્કરમ અને મિશેલ માર્શ જેવા વિસ્ફોટક બેટ્સમેનો છે.
જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમી આ વખતે પ્રથમવાર લખનઉ માટે રમતા જોવા મળશે. શમીની સાથે મયંક યાદવ અને મોહસિન ખાન જેવા યુવા ફાસ્ટ બોલરો ટીમની તાકાત વધારશે.ટીમના મેન્ટર ઝહીર ખાન અને નવો કોચિંગ સ્ટાફ આ વખતે ખેલાડીઓના પ્રદર્શનમાં સાતત્ય લાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. કેપ્ટન ઋષભ પંત માટે પણ આ સિઝન વ્યક્તિગત રીતે મહત્વની છે, કારણ કે તે બેટ્સમેન અને કેપ્ટન તરીકે ફરી પોતાની છાપ છોડવા માંગે છે.લખનઉ સુપર જાયન્ટ્સ હવે અયોધ્યાથી મળેલા આશીર્વાદ અને આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરવા માટે સજ્જ છે.