April 3, 2026
સ્પોર્ટ્સ

ગર્જના કરવા તૈયાર છે ચેન્નાઈનો સિંહ...ઈજા બાદ ધોનીની ધમાકેદાર વાપસી, પંજાબ સામેના મુકાબલામાં રમવાના સંકેત

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગર્જના કરવા તૈયાર છે ચેન્નાઈનો સિંહ...</strong></span>ઈજા બાદ ધોનીની ધમાકેદાર વાપસી, પંજાબ સામેના મુકાબલામાં રમવાના સંકેત</p>

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે મોટા અને સુખદ સમાચાર સામે આવ્યા છે. ટીમની કરોડરજ્જુ ગણાતા 44 વર્ષીય દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની ઈજાના વિરામ બાદ ફરી એકવાર મેદાન પર ટ્રેનિંગ કરતો જોવા મળ્યો છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં ઈજાના કારણે બહાર રહ્યા બાદ ધોનીએ નેટ્સમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે, જેનાથી સીએસકે છાવણીમાં ફરી એકવાર ઉત્સાહનો સંચાર થયો છે.  જોકે, સાવચેતીના ભાગરૂપે તેમણે હજુ સુધી ટીમ સાથે સંપૂર્ણ અભ્યાસ શરૂ કર્યો નથી, પરંતુ નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરતા જોઈને ચાહકોમાં 'થલા'ની વાપસીની આશા જાગી છે.

ધોનીએ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો પણ વિકેટકીપિંગ પ્રેક્ટિસથી તે અત્યારે દૂર રહ્યો હતો. ટીમ મેનેજમેન્ટ તરફથી મળતા સંકેતો મુજબ, ધોની હજુ મેચ રમવા માટે 100 ટકા ફિટ નથી. પ્રેક્ટિસ સેશન દરમિયાન સંજુ સેમસન વિકેટકીપિંગની જવાબદારી સંભાળતો જોવા મળ્યો હતો, જે સ્પષ્ટ કરે છે કે પંજાબ સામેની પ્લેઈંગ ઈલેવનમાં ધોનીની એન્ટ્રી અંગે હજુ સસ્પેન્સ અકબંધ છે. તેમ છતાં, મેદાન પર તેની હાજરી માત્રથી ટીમના યુવા ખેલાડીઓના મનોબળમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. માત્ર ધોની જ નહીં, સીએસકેના અન્ય પ્રતિભાશાળી ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ પણ ઈજા બાદ ટ્રેનિંગ સત્રમાં જોડાયો છે.

બ્રેવિસે પણ હળવી શોર્ટ રન ડ્રિલ કરી હતી અને ટીમ ફિઝિયો સાથે લાંબી ચર્ચા કરી હતી. આઈપીએલની સીઝન ઘણી લાંબી હોવાથી ટીમ મેનેજમેન્ટ આ બંને મુખ્ય ખેલાડીઓની ઈજાને લઈને કોઈ ઉતાવળ કરવા માંગતું નથી અને તેમને સંપૂર્ણ રિકવરી માટે પૂરતો સમય આપવા ઈચ્છે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સીઝનની શરૂઆત આશાસ્પદ રહી નથી. રાજસ્થાન રોયલ્સ સામેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોવાથી ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 10મા ક્રમે એટલે કે સૌથી નીચે છે.

આગામી પંજાબ કિંગ્સ સામેની મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ઉપર આવવું એ ટીમ માટે મોટો પડકાર છે. આ સ્થિતિમાં ધોનીનું નેટ્સમાં પરત ફરવું એ ટીમના વાતાવરણ માટે 'ટોનિક' સમાન સાબિત થયું છે. આ સીઝનમાં સીએસકે પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર રમવા ઉતરશે. ઘરઆંગણે જીતનું ખાતું ખોલવા માટે ટીમ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભલે ધોની પંજાબ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો ન હોય, પરંતુ ડગઆઉટમાં તેની બેઠક અને માર્ગદર્શન ટીમના ખેલાડીઓ માટે 'બૂસ્ટર ડોઝ' જેવું કામ કરશે.

આગામી 24 કલાક ધોનીની ફિટનેસ માટે નિર્ણાયક સાબિત થશે. જો તે શારીરિક રીતે સક્ષમ જણાશે, તો તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે અથવા બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવા અંગે વિચારણા થઈ શકે છે. સીએસકે મેનેજમેન્ટ ધોનીના સ્વાસ્થ્ય અને ટુર્નામેન્ટની લાંબી મજલને ધ્યાનમાં રાખીને જ અંતિમ નિર્ણય લેશે. હાલમાં તો ધોનીના નેટ્સમાં બેટિંગ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.