IPL 2026: 'ગઈ સીઝન હવે ઇતિહાસ છે, અમે પહેલા બોલથી શરૂઆત કરીશું,' GT સામેની ટક્કર પહેલા અય્યરે કહ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની રોમાંચક શરૂઆત થઈ ચૂકી છે. આજે મુલ્લાનપુરના પીસીએ ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાનારી મહત્વપૂર્ણ મેચ પહેલા પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાની ટીમને ગઈ સીઝનની સફળતા પાછળ છોડીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
'ગઈ સીઝન ઈતિહાસ છે, વર્તમાનમાં જીવવું જરૂરી'
IPL દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં શ્રેયસ અય્યરે જણાવ્યું હતું કે, જુઓ, ગઈ સીઝન હવે ઈતિહાસ છે. અમે પહેલા બોલથી નવી શરૂઆત કરીએ છીએ. એ મહત્વનું છે કે અમે વર્તમાનને વળગી રહીએ અને એ સુનિશ્ચિત કરીએ કે અમે મેદાન પર દરેક ક્ષણનો આનંદ માણીએ." અય્યરનો આ સંદેશ ખેલાડીઓમાં નવો આત્મવિશ્વાસ જગાવવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પંજાબ કિંગ્સે IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેઓ રનર્સ-અપ રહ્યા હતા, જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
ચાહકોના અપાર સમર્થનથી ઘર આંગણે રમતા હોવાનો અહેસાસ
કેપ્ટન અય્યરે ટીમને મળતા પ્રેક્ષકોના સમર્થન અને ઉત્સાહની પણ પ્રશંસા કરી હતી. તેમણે ચાહકો પાસેથી આ સીઝનમાં પણ આવા જ સાથની અપેક્ષા વ્યક્ત કરી છે. અય્યરે કહ્યું, "અહીં ચોક્કસપણે ઘર જેવું લાગે છે. ગઈ સીઝનમાં હોમ ટીમને જે પ્રેમ અને સમર્થન મળ્યું તે અદભૂત હતું. હું આ સીઝનમાં પણ ચાહકોને મોટી સંખ્યામાં આવતા અને અમને પ્રોત્સાહિત કરતા જોવાની આશા રાખું છું. આ ખરેખર બહારની મેચ જેવું લાગતું નથી.”
હેડ કોચ રિકી પોન્ટિંગના માર્ગદર્શન હેઠળ નવી રણનીતિ
ટીમના ડ્રેસિંગ રૂમના વાતાવરણ અને નવી રણનીતિ અંગે વાત કરતા અય્યરે હેડ કોચ રિકી પોન્ટિંગની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, રિકી પોન્ટિંગ ટીમના મુખ્ય વ્યક્તિ છે. ડ્રેસિંગ રૂમમાં થતી તમામ વાતચીતો અને મહત્વપૂર્ણ ચર્ચાઓનું સંચાલન તેઓ જ કરે છે. અય્યરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોચના માર્ગદર્શન હેઠળ ટીમ આ સીઝનમાં પોતાની રણનીતિનો ખામીરહિત રીતે અમલ કરી શકશે.
PBKS અને GT વચ્ચે મુકાબલો હંમેશા રહ્યો છે કાંટાની ટક્કર સમાન
IPL ના ઇતિહાસ પર નજર કરીએ તો, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 6 વખત મુકાબલો થયો છે. બંને ટીમોએ એકબીજાને મેદાન પર સખત સ્પર્ધા આપી છે, જેના કારણે બંનેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ સમાન છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી 3 મેચમાં PBKS એ જીત મેળવી છે, જ્યારે 3 મેચમાં GT નો વિજય થયો છે. મંગળવારે રમાનારી મેચમાં કઈ ટીમ વિજયી બનીને આ સીઝનમાં પોતાનું વર્ચસ્વ જમાવશે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે.