IPL 2026: CSK સામે જીત બાદ પંજાબ કિંગ્સને ફટકો, શ્રેયસ ઐયરને ધીમા ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 7 મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય નોંધાવ્યો છે. જોકે, ચેન્નાઈના મેદાન પર મેળવેલી આ ઐતિહાસિક જીત વચ્ચે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને ધીમા ઓવર રેટ જાળવવા બદલ મેચ રેફરી દ્વારા ભારે આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે.
ધીમા ઓવર રેટ બદલ કેપ્ટન અને ટીમને આકરો દંડ
શુક્રવારે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી કરી ન હતી. આઈપીએલની આચારસંહિતાની કલમ 2.22 હેઠળ આ સિઝનમાં પંજાબની ટીમનું આ બીજું ઉલ્લંઘન છે, જે ધીમા ઓવર રેટ સાથે સંબંધિત છે. જેના પરિણામે કેપ્ટન શ્રેયસ ઐયરને 24 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓ અને ઇમ્પેક્ટ પ્લેયરને પણ 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા દંડ રૂપે ચૂકવવા પડશે.
પંજાબ કિંગ્સે 210 રનનો મુશ્કેલ લક્ષ્યાંક સરળતાથી પાર કર્યો
મેચના પરિણામની વાત કરીએ તો, પંજાબ કિંગ્સે મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈએ આપેલા 210 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની ટીમે 8 બોલ બાકી રહેતા એટલે કે 18.4 ઓવરમાં જ માત્ર 5 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. કેપ્ટન શ્રેયસ ઐયરે જવાબદારીપૂર્વક રમીને 29 બોલમાં 50 રન ફટકાર્યા હતા. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા પ્રિયાંશ આર્યએ માત્ર 11 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 39 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને આખી મેચ પંજાબની તરફેણમાં કરી દીધી હતી.
ચેન્નાઈના બેટ્સમેનોનું સારું પ્રદર્શન છતાં બોલિંગ નબળી રહી
અગાઉ, પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વિકેટે 209 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ 43 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શિવમ દુબેએ અણનમ 45 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી વિજયકુમાર વૈશાખે સચોટ બોલિંગ કરી 2 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈ માટે મુખ્ય બોલર મથિશા પથિરાનાની ગેરહાજરી અત્યંત મોંઘી સાબિત થઈ હતી, જેના કારણે તેમના બોલરો 209 રનના લક્ષ્યનો બચાવ કરી શક્યા ન હતા.