આવતીકાલથી IPL 2026 નો પ્રારંભ: RCB અને SRH વચ્ચે પ્રથમ મુકાબલો, જાણો મેચનું શેડ્યૂલ અને લાઈવ ક્યાંથી જોઈ શકશો તેની તમામ વિગતો
ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો આવતીકાલ, 28 માર્ચથી શાનદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઅને 2016ની ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
મેચોનો સમય અને પ્લેઓફ ફોર્મેટ
28 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ 31 મે સુધી ચાલશે. મોટાભાગની મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જેના માટે સાંજે 7:00 વાગ્યે ટોસ ઉછાળવામાં આવશે. ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) ના દિવસે બપોરની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ સીઝનમાં કુલ 12 દિવસ ડબલ હેડર મેચો રમાશે. સ્પર્ધામાં દરેક ટીમ 14 મેચ રમશે અને ગ્રુપ સ્ટેજની ટોચની ચાર ટીમો પ્લેઓફમાં પ્રવેશ કરશે. પ્લેઓફમાં અગાઉની જેમ જ ક્વોલિફાયર 1, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઈનલ મેચનો રોમાંચ જોવા મળશે.
દેશના 12 શહેરોમાં રમાશે મેચો, 10 ટીમો વચ્ચે જંગ
IPL 2026 ની આ સીઝન ભારતના 12 પ્રમુખ શહેરોમાં યોજાશે. જેમાં અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાળા, રાયપુર અને ન્યૂ ચંદીગઢનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), દિલ્હી કેપિટલ્સ (DC), ગુજરાત ટાઈટન્સ (GT), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), મુંબઈ ઈન્ડિયન્સ (MI), પંજાબ કિંગ્સ (PBKS), રાજસ્થાન રોયલ્સ (RR), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એમ કુલ 10 ટીમો મેદાનમાં ઉતરશે.
ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણની વ્યવસ્થા
ક્રિકેટ રસિકો આખી ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જોઈ શકશે. જ્યારે લાખો મોબાઈલ અને ડિજિટલ દર્શકો માટે JioHotstar વેબસાઇટ અને મોબાઈલ એપ પર લાઈવ સ્ટ્રીમિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. JioStar ના નેટવર્ક પર દરેક મેચ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ સહિત 5 મુખ્ય ભાષાઓમાં તથા બંગાળી, ભોજપુરી અને હરિયાણવી જેવી પ્રાદેશિક ભાષાઓની ફીડમાં પણ પ્રસારિત થશે. ખાસ કરીને મોબાઈલ યુઝર્સ માટે અંગ્રેજી અને હિન્દીમાં વર્ટિકલ લાઈવ ફીડ, 360-ડિગ્રી વ્યુ અને મલ્ટી-કેમ ફીચર જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.