April 3, 2026
ગુજરાત

અમદાવાદમાં IPLનો ફીવર, પણ સાચવજો! સ્ટેડિયમ આસપાસના આ રસ્તાઓ રહેશે બંધ, નીકળતા પહેલા જાણી લો ટ્રાફિક ગાઈડલાઈન

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદમાં IPLનો ફીવર, પણ સાચવજો</strong><strong>!</strong></span> સ્ટેડિયમ આસપાસના આ રસ્તાઓ રહેશે બંધ, નીકળતા પહેલા જાણી લો ટ્રાફિક ગાઈડલાઈન</p>

અમદાવાદના આંગણે ફરી એકવાર ક્રિકેટનો મહાકુંભ IPL 2026 ધમાકેદાર રીતે શરૂ થઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' ખાતે જ્યારે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલશે, ત્યારે હજારોની સંખ્યામાં ઉમટી પડતા ક્રિકેટ પ્રેમીઓને કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે. પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા મેચના દિવસો માટે ખાસ ટ્રાફિક ગાઈડલાઈન અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મેચ જોવા આવતા દર્શકો અને વાહનચાલકોને કોઈ હાલાકી ન પડે તે માટે મોટેરા સ્ટેડિયમ આસપાસના ચોક્કસ માર્ગો પર અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

જો તમે પણ સ્ટેડિયમમાં મેચ જોવા જવાના હોવ અથવા તે વિસ્તારમાંથી પસાર થવાના હોવ, તો જાણી લો કયા દિવસે કયા રસ્તા બંધ રહેશે અને પોલીસે સૂચવેલા ડાયવર્ઝન પ્લાન મુજબ કયા માર્ગનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે.પોલીસના જાહેરનામા મુજબ, એપ્રિલ મહિનામાં તારીખ 4, 17, 20, 26 અને 30 ના રોજ તેમજ મે મહિનામાં તારીખ 3 અને 12 ના રોજ જ્યારે મેચ રમાશે, ત્યારે નિર્ધારિત સમય દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. મેચ શરૂ થવાના કલાકો પહેલાથી લઈને મેચ પૂર્ણ થયા બાદ પ્રેક્ષકો વિખરાય ત્યાં સુધી આ પ્રતિબંધો અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ, મેચના દિવસે જનપથ ટી-પોઈન્ટથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈને કૃપા રેસીડેન્સી ટી-પોઈન્ટથી મોટેરા ગામ ટી-પોઈન્ટ સુધીનો માર્ગ તમામ પ્રકારના ખાનગી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ માર્ગ પર મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો સિવાય અન્ય કોઈ પણ વાહનને પ્રવેશ આપવામાં આવશે નહીં, જેથી સ્ટેડિયમની આસપાસ ભીડ કે અંધાધૂંધી સર્જાય નહીં. ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે પોલીસ દ્વારા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે.

તપોવન સર્કલ તરફથી આવતા વાહનચાલકો ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી તરફ જઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે. આ ડાયવર્ઝનથી સાબરમતી અને ચાંદખેડા વિસ્તારના ટ્રાફિકને સુવ્યવસ્થિત રીતે વાળવામાં આવશે. બીજી તરફ, કૃપા રેસીડેન્સી ટી-પોઈન્ટથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે. જે વાહનચાલકો ગાંધીનગર કે રિંગ રોડ તરફ જવા માંગતા હોય, તેમણે આ નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો આગ્રહ રાખવો જોઈએ.

પોલીસ દ્વારા ઠેર-ઠેર સાઈન બોર્ડ અને ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરવામાં આવશે જેથી નાગરિકોને દિશા શોધવામાં કોઈ તકલીફ ન પડે.આ પ્રતિબંધાત્મક આદેશોમાંથી કેટલીક આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓના વાહનોને રોકવામાં આવશે નહીં. વધુમાં, સ્ટેડિયમની આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં વસતા રહીશોને અવરજવર માટે છૂટ આપવામાં આવી છે, પરંતુ તેમણે પોતાની ઓળખ સાબિત કરવા માટે આધારકાર્ડ કે સોસાયટીનું ઓળખપત્ર સાથે રાખવા અપીલ કરાઈ છે.

અમદાવાદ પોલીસ દ્વારા ક્રિકેટ પ્રેમીઓ અને વાહનચાલકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મેચના દિવસે બિનજરૂરી ટ્રાફિક જામ ટાળવા જાહેરનામાનું ચુસ્ત પાલન કરે. પ્રેક્ષકોને મેટ્રો ટ્રેન અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જેથી પાર્કિંગની સમસ્યા ઓછી થાય. પોલીસના આ સહયોગાત્મક અભિગમથી IPLની મેચો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.