ઈરાનમાં રેકોર્ડબ્રેક ઈન્ટરનેટ બ્લેકઆઉટ: યુએસ-ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે 37 દિવસથી દેશવ્યાપી શટડાઉન
ઈરાનમાં ચાલી રહેલા યુએસ-ઈઝરાયેલ લશ્કરી ઓપરેશન વચ્ચે લાદવામાં આવેલું ઈન્ટરનેટ શટડાઉન હવે તેના પાંચમા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. ડિજિટલ મોનિટરિંગ ગ્રુપ 'નેટબ્લોક્સ' (NetBlocks) ના તાજેતરના અહેવાલ મુજબ, આ બ્લેકઆઉટ વિશ્વના ઇતિહાસમાં નોંધાયેલું સૌથી લાંબુ દેશવ્યાપી ઈન્ટરનેટ શટડાઉન બની ગયું છે, જેનાથી સામાન્ય જનતા વૈશ્વિક સંપર્કથી સંપૂર્ણપણે વિહોણી બની ગઈ છે.
864 કલાકથી વધુ સમયનું ઐતિહાસિક શટડાઉન
ગત 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ ઈન્ટરનેટ શટડાઉન સતત 37 દિવસથી ચાલુ છે. નેટબ્લોક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા જણાવ્યું હતું કે આ બ્લેકઆઉટે 864 કલાકનો આંકડો પાર કરી લીધો છે. સંસ્થાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, "ઈરાનનું ઈન્ટરનેટ બ્લેકઆઉટ હવે કોઈપણ દેશમાં રેકોર્ડ પરનું સૌથી લાંબુ રાષ્ટ્રીય સ્તરનું ઈન્ટરનેટ શટડાઉન છે, જે 864 કલાક પછી તેના સતત 37મા દિવસમાં પ્રવેશીને તીવ્રતામાં અન્ય તમામ તુલનાત્મક ઘટનાઓ કરતા વધી ગયું છે."
લશ્કરી સંઘર્ષ અને વૈકલ્પિક એક્સેસ પર પણ પ્રતિબંધ
આ શટડાઉન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાની લક્ષ્યો પર યુએસ અને ઈઝરાયેલ દ્વારા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે. જેના વળતા જવાબમાં તેહરાને પણ પાડોશી ખાડી દેશોમાં રહેલી યુએસ અને ઈઝરાયેલની લશ્કરી સુવિધાઓ પર હુમલા શરૂ કર્યા છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાની સત્તાવાળાઓએ સેટેલાઇટ કનેક્શન અને VPN જેવી વૈકલ્પિક સંચાર પદ્ધતિઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. હાલમાં સરકાર 'ટાયર્ડ વ્હાઇટલિસ્ટિંગ સિસ્ટમ' દ્વારા માત્ર ગણતરીના લોકોને પસંદગીયુક્ત ઈન્ટરનેટ એક્સેસ આપી રહી છે.
અન્ય દેશો કરતા સ્થિતિ વધુ ગંભીર
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે અગાઉ મ્યાનમાર, સુદાન, કાશ્મીર અને ટિગ્રે જેવા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે, પરંતુ તે પ્રાદેશિક અથવા અટકી-અટકીને હતું. આ અગાઉ સ્ટાન્ડર્ડ ઈન્ટરનેટ સુવિધા ધરાવતા કોઈ પણ દેશે આટલા લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્તરનું સંપૂર્ણ ડિસ્કનેક્ટ જોયું નથી. ઉત્તર કોરિયા જેવા દેશો ક્યારેય વૈશ્વિક ઈન્ટરનેટ સાથે જોડાયેલા ન હોવાથી તેમની સ્થિતિ અલગ છે.
નાગરિકોની યાતના અને અચોક્કસ ભવિષ્ય
નેટબ્લોક્સે આ શટડાઉનની માનવીય કિંમત પર ભાર મૂકતા જણાવ્યું છે કે યુદ્ધ જેવી કટોકટીના સમયે પરિવારો પોતાના પ્રિયજનોનો સંપર્ક કરવામાં અસમર્થ છે, જે અત્યંત ચિંતાજનક છે. હાલમાં બંને પક્ષે સંઘર્ષ શાંત થવાના કોઈ જ એંધાણ નથી. બીજી તરફ, ઈરાન સરકાર દ્વારા પણ દેશમાં ઈન્ટરનેટ સેવાઓ ક્યારે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે તે અંગે કોઈ જ માહિતી કે સંકેત આપવામાં આવ્યો નથી, જેથી નાગરિકો માટે સ્થિતિ વધુ કપરી બની છે.