April 4, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ઈરાન-અમેરિકા યુદ્ધ : અમેરિકી વાયુસેના માટે ભારે રહ્યા છેલ્લા 24 કલાક,  બે ફાઈટર જેટ અને બે હેલિકોપ્ટર થયાં ક્રેશ... 

09:05:00 AM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઈરાન-અમેરિકા યુદ્ધ : </strong></span>અમેરિકી વાયુસેના માટે ભારે રહ્યા છેલ્લા 24 કલાક,  બે ફાઈટર જેટ અને બે હેલિકોપ્ટર થયાં ક્રેશ... </p>

ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા પાંચ અઠવાડિયાથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે અત્યંત ખતરનાક અને અનિશ્ચિત વળાંક પર પહોંચી ગયું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 24 કલાક અમેરિકી વાયુસેના માટે ઈતિહાસના સૌથી કપરા સમય સાબિત થયા છે, જેમાં અમેરિકાની કહેવાતી 'એર સુપીરિયોરિટી' એટલે કે આકાશી પ્રભુત્વના દાવાઓને ભારે આંચકો લાગ્યો છે. ઈરાની સૈન્યના મજબૂત વળતા પ્રહારોમાં અમેરિકાના બે શક્તિશાળી ફાઈટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા છે અને બચાવ કામગીરીમાં જોડાયેલા બે બ્લેક હોક હેલિકોપ્ટરો પણ ઈરાની હુમલાની ઝપેટમાં આવી ગયા છે. આ યુદ્ધ 28 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકી સૈન્યને આટલા ટૂંકા ગાળામાં આટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ઈરાનની સરહદની અંદર સૈન્ય ઓપરેશન પાર પાડી રહેલું એક અમેરિકી F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં બે ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી એકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બીજો પાયલોટ હજુ પણ ગુમ છે. એવી આશંકા સેવાઈ રહી છે કે આ પાયલોટ ઈરાનના કોઈ દુર્ગમ વિસ્તારમાં છુપાયેલો હોઈ શકે છે. આ પાયલોટને શોધવા માટે જ્યારે બે HH-60W જોલી ગ્રીન II રેસ્ક્યૂ હેલિકોપ્ટરો મોકલવામાં આવ્યા, ત્યારે ઈરાની દળોએ તેમના પર પણ ભારે ગોળીબાર કર્યો હતો. જોકે સદનસીબે આ હેલિકોપ્ટરો કોઈક રીતે બચીને પરત ફરવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ અથડામણમાં કેટલાક સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ, આ સિવાય અન્ય એક ઘટનામાં કુવૈતની ઉપર ઉડાન ભરી રહેલા અમેરિકાના એ-10 વારથોગ અટેક એરક્રાફ્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે તે પર્સિયન ગલ્ફમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનનો પાયલોટ સમયસૂચકતા વાપરીને પેરાશૂટની મદદથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન અન્ય એક એ-10 વિમાનના એન્જિનમાં ખામી સર્જાતા તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, ઈરાની મીડિયાએ કેટલીક તસવીરો જાહેર કરીને એવો પણ દાવો કર્યો છે કે કુવૈત સ્થિત અમેરિકી સૈન્ય મથક 'કેમ્પ બુહરિંગ' પર થયેલા હુમલામાં અમેરિકાનું વિશાળકાય બોઈંગ CH-47 ચિનૂક હેલિકોપ્ટર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. આ શ્રેણીબદ્ધ ઘટનાઓએ પેન્ટાગોનમાં ચિંતાની લહેર પ્રસરાવી દીધી છે.

બીજી તરફ, ઈરાને હવે આ યુદ્ધને 'પાયલોટ હંટ'માં ફેરવી દીધું છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ ગુમ થયેલા અમેરિકી પાયલોટને પકડવા માટે દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગલીબાફે આક્રમક નિવેદન આપતા જણાવ્યું છે કે હવે આ લડાઈ સત્તા પરિવર્તનથી હટીને અમેરિકી પાયલોટોને પકડવા પર કેન્દ્રિત થઈ ગઈ છે. ઈરાન સરકારે પોતાના નાગરિકોને પણ અપીલ કરી છે કે જે કોઈ પણ આ પાયલોટ વિશે માહિતી આપશે અથવા તેને પકડશે, તેને મોટું ઈનામ આપવામાં આવશે. આ સ્થિતિ અમેરિકા માટે અત્યંત અપમાનજનક અને વ્યૂહાત્મક રીતે પડકારજનક સાબિત થઈ રહી છે.

આટલી ગંભીર ઘટનાઓ છતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નુકસાનને હળવાશથી લેતા નિવેદન આપ્યું છે કે યુદ્ધમાં આવી ઘટનાઓ સામાન્ય છે અને આનાથી ઈરાન સાથેની વાતચીત પર કોઈ અસર નહીં પડે.  હાલમાં સીઝફાયરની તમામ કોશિશો નિષ્ફળ જતી જણાય છે, કારણ કે ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થીમાં થનારી વાતચીતને ફગાવી દીધી છે. કુવૈતના ઉર્જા મથકો પર થયેલા હુમલા અને કાચા તેલની વધતી કિંમતોએ હવે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે.