યુદ્ધની વચ્ચે રાહતના સમાચાર : ઈરાન-અમેરિકાના જંગમાં ફસાયેલા ભારત તરફ આવતા LPGના જહાજો સુરક્ષિત, ગ્રીન સંઘવી' અને 'ગ્રીન આશા' જહાજ ભારત પહોંચશે...
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષની જ્વાળાઓ હવે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે, જેના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે ભારે અફડાતફડી મચી છે. યુદ્ધની આ ભયાનક સ્થિતિ વચ્ચે ભારત માટે આશાનું કિરણ જાગ્યું છે, કારણ કે દરિયાઈ માર્ગે ફસાયેલા બે અત્યંત મહત્વના LPG જહાજો હવે ભારતીય કિનારા તરફ સુરક્ષિત રીતે આગળ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે જણાવ્યું છે કે 'ગ્રીન સંઘવી' અને 'ગ્રીન આશા' નામના બે ભારતીય જહાજોએ 'હોર્મુઝ સ્ટ્રેટ'ને સફળતાપૂર્વક પાર કરી લીધો છે. યુદ્ધના વાદળો વચ્ચે આ સામુદ્રધુનીમાં હુમલાઓનું જોખમ સતત તોળાઈ રહ્યું હતું, પરંતુ ભારતીય ધ્વજ સાથેના આ જહાજો કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન વગર નીકળવામાં સફળ રહ્યા છે, જે ભારતીય રસોડામાં રાંધણ ગેસની સંભવિત અછતને દૂર કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.
આ જહાજો દેશની ઉર્જા સુરક્ષા માટે કરોડરજ્જુ સમાન
વર્તમાન સ્થિતિની ગંભીરતાને જોતા ભારત સરકાર હાઈ એલર્ટ પર છે, કારણ કે પશ્ચિમ પર્શિયન ગલ્ફના અશાંત વિસ્તારોમાં હજુ પણ ભારતની માલિકીના 17 જેટલા જહાજો હાજર છે. આ જહાજોમાં 433 જેટલા ભારતીય નાવિકો સવાર છે, જેમની સુરક્ષા માટે ભારત સરકાર સતત વિદેશ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ એજન્સીઓના સંપર્કમાં છે. મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે તમામ નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં ભારત વિરોધી કોઈ પ્રતિકૂળ ઘટના નોંધાઈ નથી. આ જહાજોમાં માત્ર રાંધણ ગેસ જ નહીં, પરંતુ ક્રૂડ ઓઈલના 6 ટેન્કરો, LNG અને કેમિકલ જહાજો પણ સામેલ છે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે કરોડરજ્જુ સમાન છે. સરકાર આ તમામ જહાજોના લોકેશન પર ચાંપતી નજર રાખી રહી છે જેથી ઈંધણના પુરવઠામાં કોઈ પણ મોટો અવરોધ ન આવે અને દેશના નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ગ્રીન સંઘવી' જહાજ અને 'ગ્રીન આશા પહોંચશે ભારત
આ દરમિયાન, સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત માર્ગ મેળવવા માટે ભારત સરકાર ઈરાનને કોઈ ગુપ્ત ફી કે વધારાનો 'લેવી' ટેક્સ ચૂકવી રહી છે. જોકે, સરકારે આ અફવાઓનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારત અને ઈરાન વચ્ચે આવી કોઈ લેવડદેવડ કે સમજૂતી થઈ નથી. રાજદ્વારી સંબંધો અને સુરક્ષાના માપદંડોને આધારે આ જહાજોને માર્ગ મળી રહ્યો છે. અંદાજ મુજબ 'ગ્રીન સંઘવી' જહાજ આજે 7 એપ્રિલના રોજ અને 'ગ્રીન આશા' 9 એપ્રિલના રોજ ભારતીય બંદરો પર લાંગરશે તેવી શક્યતાઓ છે.
આ જહાજોના આગમન સાથે જ દેશમાં LPGની સંભવિત તંગીના ડર પર પૂર્ણવિરામ મુકાશે, જે યુદ્ધકાળના આ માહોલમાં ભારત માટે એક મોટી વિજયી રાહત ગણવામાં આવી રહી છે.