મેદાન પર તારું સ્વાગત ફૂલોથી નહીં થાય....વૈભવ સૂર્યવંશીને આઈપીએલ પહેલા ઇરફાન પઠાણનો રિયાલિટી ચેક
ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા વૈભવ સૂર્યવંશીએ 2025ની IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર ૩૫ બોલમાં સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી ઝડપી સદી હતી. આખી સિઝનમાં તેણે 200થી વધુના સ્ટ્રાઈક રેટ અને ૩૬ની પ્રભાવશાળી સરેરાશથી રન બનાવી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે IPL 2026 પહેલા વૈભવને ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે તેની અસલી પરીક્ષા થશે.
ઇરફાનના મતે, ગત વર્ષના શાનદાર પ્રદર્શન બાદ હવે વિરોધી ટીમોના એનાલિસ્ટ્સ વૈભવની રમતનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહ્યા હશે. તેની નબળાઈઓને પકડવા માટે વિપક્ષી ટીમો અત્યારથી જ વ્યૂહરચના બનાવી રહી હોવાની શક્યતા છે.ઇરફાન પઠાણે ઉમેર્યું કે, વૈભવે રણજી ટ્રોફી, અંડર-19 વર્લ્ડ કપ અને એશિયા કપમાં સતત રન બનાવ્યા છે, જેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. પરંતુ IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં દરેક બોલર નવી પ્લાનિંગ સાથે આવશે. જો વૈભવ પોતાની નબળાઈઓ દૂર કરીને નવી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધશે, તો જ તે ખરેખર પોતાને સાબિત કરી શકશે.
14 વર્ષની નાની ઉંમરે વૈભવ પર અત્યારે મીડિયા અને ચાહકોની નજર છે. IPL 2026માં તેની પાસેથી ગત વર્ષ જેવું જ ફોર્મ જાળવી રાખવાની અપેક્ષા રાખવામાં આવશે. ઇરફાન માને છે કે જો વૈભવ આ પડકારજનક સિઝનમાં પણ જોરદાર પ્રદર્શન કરશે, ત્યારે જ માની શકાશે કે તેણે પોતાની રમતમાં સાચો સુધારો કર્યો છે. હાલમાં વૈભવ સૂર્યવંશી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ અને અંડર-19 T20 વર્લ્ડ કપમાં શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે, જે રાજસ્થાન રોયલ્સ અને તેના ચાહકો માટે સારા સમાચાર છે.