April 2, 2026
ગુજરાત

અમદાવાદ માટે રોલ મોડેલ બન્યું ઈસનપુર, કોર્પોરેટર અને જનતાના સમન્વયથી ચાલે છે 'સફાઈયજ્ઞ'

04:28:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ માટે રોલ મોડેલ બન્યું ઈસનપુર, </strong></span>કોર્પોરેટર અને જનતાના સમન્વયથી ચાલે છે 'સફાઈયજ્ઞ'</p>

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં સ્વચ્છતા અંગે એક પ્રેરણાદાયી અને અનોખી પહેલ છેલ્લા બે વર્ષથી સતત જોવા મળી રહી છે. સામાન્ય રીતે લોકપ્રતિનિધિઓ માત્ર કાર્યક્રમો કે મિટિંગોમાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ ઈસનપુરના કોર્પોરેટર શંકર ચૌધરીએ એક અલગ જ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ દર રવિવારે વહેલી સવારે જાતે જ હાથમાં ઝાડું લઈને વિસ્તારના રસ્તાઓ સાફ કરવા ઉતરી પડે છે અને ‘સ્વચ્છતા એ જ સેવા’નો મંત્ર સાર્થક કરે છે. શંકર ચૌધરીના મતે, શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

આ વિચાર સાથે શરૂ થયેલું આ અભિયાન હવે એક જન આંદોલન બની ગયું છે. દર રવિવારે સવારે વિસ્તારના યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકો મોટી સંખ્યામાં સ્વેચ્છાએ આ સફાઈ અભિયાનમાં જોડાય છે અને પોતાની ગલીઓ તથા જાહેર સ્થળોને ચમકાવે છે. આ કોઈ ટૂંકા ગાળાની પ્રવૃત્તિ નથી, પરંતુ છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી સતત ચાલી રહેલું અભિયાન છે. કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ, કોર્પોરેટર અને સ્થાનિક રહીશો દર રવિવારે અચૂક હાજર રહીને સફાઈ કાર્યમાં જોડાય છે. આ સાતત્યને કારણે જ આજે ઈસનપુરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા ભૂતકાળ બન્યા છે. કોર્પોરેટરની આ ‘ગાંધીગિરી’ થી પ્રેરાઈને લોકોની માનસિકતામાં મોટું પરિવર્તન આવ્યું છે. સફાઈ દરમિયાન તેઓ લોકો સાથે સીધો સંવાદ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને કચરો કચરાપેટીમાં જ નાખવા માટે જાગૃતિ ફેલાવે છે. સ્થાનિક યુવાનો જણાવે છે કે જ્યારે તેમના જનપ્રતિનિધિ જાતે ઝાડું પકડે છે, ત્યારે લોકોમાં આપોઆપ જવાબદારીની ભાવના જાગે છે.

ઈસનપુરનું આ સફાઈ મોડેલ હવે શહેરના અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. સામાજિક સંસ્થાઓ આ પહેલને ‘સફળ જનભાગીદારી’નું ઉત્તમ ઉદાહરણ ગણાવી રહી છે. જો દરેક વિસ્તારના પ્રતિનિધિઓ અને નાગરિકો આ રીતે જોડાય, તો ‘સ્વચ્છ અમદાવાદ’નું સપનું દૂર નથી.