April 2, 2026
ગુજરાત

દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત: ઈસુદાન ગઢવી સહિત 'આપ'ના 30 નેતા-કાર્યકરોની અટકાયત બાદ મોડી રાત્રે મુક્તિ

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત: </strong></span>ઈસુદાન ગઢવી સહિત 'આપ'ના 30 નેતા-કાર્યકરોની અટકાયત બાદ મોડી રાત્રે મુક્તિ</p>

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બુધવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પોલીસ તંત્ર વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. બિહારથી આવેલા 'આપ' કાર્યકર દીપક કુમાર સિંહ સામે નોંધાયેલી લૂંટની ફરિયાદ મામલે રજૂઆત કરવા પહોંચેલા ઈસુદાન ગઢવી અને તેમના ટેકેદારોની પોલીસે અટકાયત કરી હતી. જોકે, 8 કલાકથી વધુ સમયની પૂછપરછ અને કાયદાકીય પ્રક્રિયા બાદ મોડી રાત્રે તમામ 30 આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા દીપક કુમાર સિંહ સામે લૂંટની કલમો ખોટી રીતે ઉમેરીને એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મુદ્દે રજૂઆત કરવા ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિડિયો ઉતારવા બાબતે થયેલી તકરાર બાદ પરિસ્થિતિ તંગ બનતા ખંભાળિયા પોલીસ સ્ટેશનને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને વધારાનો કાફલો  બોલાવવામાં આવ્યો હતો.

ખંભાળિયાના DySP વિસ્મય માનસત્તાએ જણાવ્યું હતું કે, લૂંટના આરોપીના સમર્થનમાં ઈસુદાન ગઢવી અને અન્ય કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં આવીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે PSO અને PSI સાથે દુર્વ્યવહાર કરી સસ્પેન્શનનું દબાણ બનાવ્યું હતું. આ મામલે PSI યુ.કે. જાદવની ફરિયાદના આધારે ઈસુદાન ગઢવી સહિત 18 નામજોગ અને 12 અજાણ્યા મળી કુલ 30 લોકો સામે BNSની વિવિધ કલમો  હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મોડી રાત્રે જામીન પર મુક્ત થયા બાદ ઈસુદાન ગઢવીએ 'સત્યમેવ જયતે'ના નારા સાથે બહાર આવી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ભાજપ  ડરી ગયું છે, તેથી પોલીસને આગળ કરીને અમારા કાર્યકરો પર ખોટી FIR કરવામાં આવી રહી છે. અમે માત્ર રજૂઆત કરવા ગયા હતા અને અમારી ગેરકાયદે અટકાયત કરવામાં આવી હતી." હાલ આ મામલે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે.