April 7, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસને ઝટકો? પદ્મિનીબા વાળાની 'આપ'માં એન્ટ્રીથી રાજકોટના સમીકરણો બદલાશે.....

04:09:00 PM
Save
Apr 7, 2026
Share :
<p>ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસને ઝટકો?<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> પદ્મિનીબા વાળાની 'આપ'માં એન્ટ્રીથી રાજકોટના સમીકરણો બદલાશે.....</strong></span></p>

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ક્ષત્રિય આંદોલન દરમિયાન સરકાર સામે આક્રમક તેવર બતાવીને સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળાએ આજે વિધિવત રીતે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓએ આમ આદમી પાર્ટીનો છેડો પકડતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે. રાજકોટ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં પદ્મિનીબા વાળાએ 'આપ'નો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે પાર્ટીના અન્ય સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પદ્મિનીબાના આગમનથી સૌરાષ્ટ્રમાં 'આપ' વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, તેઓ જનતાની સાચી સેવા કરવા અને સમાજમાં થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ મંચ પર આવ્યા છે. તેમણે ઉમેર્યું કે 'આપ'ની વિચારધારા અને સામાન્ય માણસ માટેના કામોથી પ્રેરાઈને તેમણે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્યમાં થયેલા ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિનીબા વાળાએ ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી. તે સમયે તેમણે જે રીતે સરકાર સામે બાથ ભીડી હતી અને સમાજના હિત માટે લડત આપી હતી, તેનાથી તેઓ રાતોરાત લોકપ્રિય બન્યા હતા. તેમની આ લડાયક છબી હવે રાજકારણમાં કેવી રીતે કામ કરશે તેના પર સૌની નજર છે.  

પદ્મિનીબાના પ્રવેશ પ્રસંગે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. પદ્મિનીબા જેવા નિડર અને લડાયક નેતાઓના જોડાવાથી પાર્ટીને નવી ઉર્જા મળશે. તેમણે દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે. પદ્મિનીબા વાળાના આ નિર્ણયની અસર માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ અન્ય વર્ગોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. હવે જોવું એ રસપ્રદ રહેશે કે પદ્મિનીબા વાળા આગામી દિવસોમાં 'આપ' માટે કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરે છે અને જનતા તેમને કેટલો આવકાર આપે છે.