ચૂંટણી પહેલા જ જાગૃતિબેન ડાંગરે મેદાનમાંથી હટવાનો લીધો નિર્ણય : રાજકોટ વોર્ડ નં 13 કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, પ્રદેશ અધ્યક્ષને લખ્યો પત્ર
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં શહેર કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ચૂંટણી ન લડવા પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો હતો. જાગૃતિબેને અગાઉથી જ પોતે ચૂંટણી નહીં લડવાની સ્પષ્ટતા કરી હતી અને તેમના સ્થાને કમલેશ કોઠીવારને ટિકિટ આપવા માટે પ્રબળ ભલામણ કરી હતી. જોકે, પક્ષ દ્વારા કમલેશ કોઠીવારને વોર્ડ નંબર 13ને બદલે વોર્ડ નંબર 12માં ટિકિટ આપતા જાગૃતિબેન અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના આ અણધાર્યા નિર્ણયથી વોર્ડ સ્તરે કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
વોર્ડ નં 13માં અંજનાબેન પંચાસરાને ટીકીટ આપતા નારાજગી વ્યક્ત કરી 
વોર્ડ નંબર 13ને લઈને જાગૃતિબેન ડાંગરે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા અંજનાબેન પંચાસરાને OBC ક્વોટામાં જે ટિકિટ આપવામાં આવી છે તેનાથી સંગઠનને મોટું નુકસાન થવાની ભીતિ છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અંજનાબેન પંચાસરાને વોર્ડના પાયાના કાર્યકરો પણ ઓળખતા નથી, ત્યારે પક્ષે કયા આધારે આ નિર્ણય લીધો તે સમજાતું નથી. જાગૃતિબેને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પાર્ટીની પેનલથી સંતુષ્ટ હોવા છતાં, ઉમેદવારની પસંદગીમાં પૂર્વ કોર્પોરેટરો કે સ્થાનિક નેતૃત્વ સાથે કોઈ પણ પ્રકારનું સંકલન સાધવામાં આવ્યું નથી. તેમની રજૂઆતને અવગણીને લેવાયેલા આ નિર્ણય સામે તેમણે ખુલ્લેઆમ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, જો યોગ્ય વ્યક્તિને ટિકિટ ન મળે તો સંગઠનને મોટું નુકસાન થવાની ભીતિ છે.
ચૂંટણીના માહોલમાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર થતા હોય છે ત્યારે અસંતોષ ઊભો થવો સ્વાભાવિક છે, પરંતુ રાજકોટ કોંગ્રેસમાં પૂર્વ કોર્પોરેટર દ્વારા જે રીતે પક્ષની કાર્યશૈલી સામે નિવેદન આપવામાં આવ્યું છે તે આગામી દિવસોમાં પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જાગૃતિબેને ભારપૂર્વક જણાવ્યું કે તેમની ભલામણ પર ધ્યાન ન આપીને પક્ષે જૂના કાર્યકરોની અવગણના કરી છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ આંતરિક અસંતોષને શાંત કરવા માટે કોઈ મધ્યસ્થી કરે છે કે પછી વોર્ડ નંબર 13માં સર્જાયેલો આ ભડકો ચૂંટણી પરિણામો પર કોઈ વિપરીત અસર પાડે છે.