કાશ્મીરમાં ફરી ગુંજી ગોળીઓ....ગાંદરબલના જંગલોમાં છુપાયેલા આતંકીઓ અને સેના વચ્ચે ફાયરિંગ
ઘાટીમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન સતત વેગ પકડી રહ્યું છે. મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવાર સાંજથી શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ગુપ્તચર બાતમીના આધારે પોલીસ, સેના અને CRPF દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. જંગલ અને પહાડી વિસ્તારનો લાભ લઈને છુપાયેલા આતંકીઓએ જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેનો સેનાએ રણનીતિક રીતે વળતો જવાબ આપ્યો હતો. હાલ સમગ્ર અરહામા વન વિસ્તારને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે અને બાકીના આતંકીઓને પકડવા માટે ઓપરેશન હજુ પણ ચાલુ છે.
જવાનો જ્યારે શંકાસ્પદ વિસ્તાર તરફ આગળ વધ્યા ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષાદળોની ટુકડી શંકાસ્પદ હિલચાલ વાળા સ્થળની નજીક પહોંચી કે તરત જ ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકીઓના હુમલાનો સામનો કરતા સુરક્ષાદળોએ તુરંત મોરચો સંભાળી લીધો હતો અને જવાબી કાર્યવાહી કરી હતી. આ ફાયરિંગને કારણે શરૂઆતમાં વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. મંગળવારે રાત્રે ફાયરિંગના અવાજો આવ્યા બાદ સુરક્ષાદળોએ પોતાની રણનીતિ બદલી હતી.
આતંકીઓ ભાગી ન છૂટે તે માટે ઘેરાબંધીને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવી હતી,ભારતીય સેનાના જવાનોએ અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધીને જવાબી હુમલો કર્યો હતો, જેમાં એક આતંકવાદી ઘટનાસ્થળે જ ઠાર મરાયો હતો. ગાંદરબલ જિલ્લો કેન્દ્રીય કાશ્મીરમાં સ્થિત છે અને અહીંનો મોટો ભાગ જંગલો તથા પહાડોથી ઘેરાયેલો છે. પહાડી વિસ્તાર હોવાને કારણે આતંકીઓ માટે છુપાવાનું આસાન રહે છે, પરંતુ સુરક્ષાદળો અત્યાધુનિક ટેકનોલોજી અને ડ્રોનની મદદથી આતંકીઓના ઠેકાણાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આ જિલ્લામાં અનેક મહત્વના સુરક્ષા અભિયાનો પાર પાડવામાં આવ્યા છે,આ અથડામણ બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે, ખાસ કરીને જંગલ વિસ્તારમાં આતંકીઓ દ્વારા કરવામાં આવતી ઘૂસણખોરી કે આશરો લેવાની પ્રવૃત્તિઓ પર સેના કડક નજર રાખી રહી છે. ઠાર મરાયેલા આતંકીની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.