April 2, 2026
ભારત

કુદરતની અનોખી કરામત: દેશના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમી, જ્યારે જમ્મુ-કાશ્મીર હિમવર્ષાથી ઠંડુગાર!

12:45:00 PM
Save
Mar 29, 2026
Share :
<p>કુદરતની અનોખી કરામત:<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> દેશના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમી, જ્યારે જમ્મુ-કાશ્મીર હિમવર્ષાથી ઠંડુગાર!</strong></span></p>

સમગ્ર દેશમાં જ્યારે સૂર્યદેવ પ્રકોપ વર્તાવી રહ્યા છે અને દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં કુદરતનું બિલકુલ અલગ ચિત્ર જોવા મળ્યું છે. માર્ચના અંતિમ દિવસોમાં કાશ્મીર ખીણના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતા સમગ્ર રાજ્ય ઠંડુગાર બની ગયું છે. આ અચાનક બદલાયેલા હવામાનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા શરૂ થઈ છે. ખાસ કરીને ગુરેઝ અને તુલાઈલ જેવા પહાડી વિસ્તારો બરફની સફેદ ચાદરથી લદાઈ ગયા છે.

સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા 85 કિલોમીટર લાંબો બાંદીપોરા-ગુરેઝ રોડ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરો અને વાહનચાલકો અટવાઈ પડ્યા છે. હિમવર્ષાની સૌથી વધુ અસર લેહના ઝોજીલા પાસ વિસ્તારમાં જોવા મળી રહી છે. અહીં ભારે બરફ પડવાને કારણે પરિવહન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો સર્જાઈ છે. બીઆરઓ દ્વારા રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, પરંતુ સતત પડતા બરફને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.

જમ્મુના ડોડા જિલ્લાના ભાલેસ સહિતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સુધી ગગડી ગયું છે, જ્યારે પહેલગામમાં 2.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા સ્થાનિકોને ફરી ગરમ વસ્ત્રો કાઢવાની ફરજ પડી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી 31 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે.

ખાસ કરીને 30 માર્ચના રોજ કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા થવાની પ્રબળ સંભાવના છે, જેના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભલે હિમવર્ષાને કારણે પરિવહન સેવાઓ ખોરવાઈ હોય, પરંતુ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં બરફનો આનંદ માણવા માટે પ્રવાસીઓ ગુલમર્ગ અને સોનમર્ગ તરફ વળી રહ્યા છે. જોકે, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને માર્ગો બંધ થવાની ભીતિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.