વારસો 'ચણાઈ' ગયો: ભુજીયા કોઠામાં પ્રાચીન શિલ્પોની દુર્દશા, જામનગરના ઈતિહાસ સાથે અન્યાય?
જામનગરની શાન અને 400 વર્ષ જૂના ભવ્ય ઇતિહાસના સાક્ષી એવા 'ભુજીયા કોઠા'ને લાંબા સમય બાદ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ તેની પાછળ થયેલું 25 કરોડનું રેસ્ટોરેશન હવે મોટા વિવાદમાં ફસાયું છે. 4 વર્ષની લાંબી જહેમત બાદ તૈયાર થયેલા આ રક્ષિત સ્મારકમાં પુરાતત્વ વિભાગના પાયાના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની વિગતો બહાર આવતા હેરીટેજ પ્રેમીઓ અને ઇતિહાસકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભુજીયા કોઠાની વર્તુળાકાર ગેલેરીમાં આવેલા પ્રાચીન અને દુર્લભ શિલ્પોને વૈજ્ઞાાનિક પદ્ધતિથી સંરક્ષિત કરવાના બદલે જર્જરિત હાલતમાં છોડી દેવાયા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતોનો ભંગ કરીને કેટલાક અમૂલ્ય શિલ્પોને તો નવી દીવાલોમાં આંશિક રીતે ચણી લેવામાં આવ્યા છે, જે સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ મોટી ક્ષતિ ગણાય છે. ભુજીયો કોઠો તેની વિશિષ્ટ પથ્થરની બનાવટ અને કુદરતી ખરબચડા ટેક્સચર માટે જાણીતો હતો. જોકે, રેસ્ટોરેશનના નામે આ મૂળ સ્થાપત્યને ઢાંકી દઈ તેના પર આધુનિક 'નકલી ઈંટો' જેવી ભાત બનાવી દેવામાં આવી છે. આ ફેરફાર સ્મારકની ઐતિહાસિક ઓળખ ભૂંસી નાખે છે અને તેને પુરાતત્વીય ઇમારત મટાડીને એક આધુનિક 'થીમ પાર્ક' જેવો દેખાવ આપે છે, જે કાયદાકીય રીતે ગેરકાયદે છે.
પુરાતત્વીય નિયમો મુજબ રેસ્ટોરેશનનો અર્થ 'જેવું હતું તેવું જાળવવું' થાય છે, પરંતુ જામનગરમાં તેને 'નવું બનાવવાની' લ્હાયમાં મૂળ ઇતિહાસ જ દફનાવી દેવામાં આવ્યો હોય તેમ જણાય છે. જામનગરના પ્રબુદ્ધ નાગરિકો અને ઇતિહાસકારોએ માંગ કરી છે કે આ મામલે તત્કાલ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ નિમવામાં આવે અને કલા ઇતિહાસકારોની સલાહ લઈ થયેલી ભૂલો સુધારવામાં આવે, જેથી આવનારી પેઢીને જામનગરનો સાચો અને અસલી વારસો જોવા મળે.