GST એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને વકીલે જ આચરી ઠગાઈ, જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી સાથે 60 લાખની છેતરપિંડી

જામનગરમાં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા એક વેપારી સાથે તેમના જ વકીલે રૂપિયા 60 લાખની માતબર રકમની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારીનું બ્લોક થયેલું GST એકાઉન્ટ ફરી ચાલુ કરાવવા માટે વકીલને 60 લાખ રૂપિયા ભરવા આપ્યા હતા, પરંતુ વકીલે આ રકમ વિભાગમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. આ મામલે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં વકીલ સહિત બે શખ્સો સામે ગુનો નોંધાયો છે.
વેપારીનું GST એકાઉન્ટ બ્લોક થતા વકીલનો સંપર્ક કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ પટેલ પાર્ક શેરી નંબર 11 માં રહેતા 37 વર્ષીય ભાવેશભાઈ અમૃતભાઈ તરાવીયા આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેઓ જામનગર તાલુકાના દરેડ GIDC ફેઝ-3 (સબ પ્લોટ નંબર 96/05) માં 'કલ્પ એન્ટરપ્રાઈઝ' નામની બ્રાસ સ્ક્રેપની પેઢી ચલાવે છે. તાજેતરમાં તેમની પેઢીનું GST એકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું અને GST વિભાગ તરફથી તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે જગદીશ રમેશ રામોલિયા નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.
60 લાખ રૂપિયા અને ફી લીધા છતાં ખાતામાં રકમ જમા ન કરાવી
જગદીશ રામોલિયાએ વેપારી ભાવેશભાઈનો સંપર્ક વકીલ પ્રકાશ ધીરુભાઈ દોંગા સાથે કરાવ્યો હતો. વેપારીએ વકીલ પ્રકાશ દોંગા પર પૂરો વિશ્વાસ મૂકીને પેઢીનું GST એકાઉન્ટ ફરી શરૂ કરાવવાની જવાબદારી સોંપી હતી. આ પ્રક્રિયા માટે વેપારીએ વકીલને તેમની ફી પણ ચૂકવી આપી હતી અને GST માં ભરવા માટે રૂપિયા 60 લાખની માતબર રકમ આપી હતી. જોકે, વકીલ પ્રકાશ દોંગાએ આ 60 લાખ રૂપિયા GST વિભાગમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખી વેપારી સાથે મોટો વિશ્વાસઘાત આચર્યો હતો.
બે શખ્સો સામે ગુનો દાખલ, પોલીસ તપાસ શરૂ
પોતાની સાથે થયેલી આ લાખો રૂપિયાની છેતરપિંડીનો ખ્યાલ આવતા જ વેપારી ભાવેશભાઈ તરાવીયાએ પોલીસનું શરણું લીધું હતું. તેમણે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જગદીશ રામોલિયા અને વકીલ પ્રકાશ દોંગા વિરુદ્ધ વિધિવત રીતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદના આધારે PI વી. જે. રાઠોડ અને તેમના સ્ટાફે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.