April 7, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 : જામનગર કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર, શું સત્તામાં આવતા જ પ્રજાને આ સુવિધાઓ મળશે, જાણો જનતા માટે શું છે ખાસ...

11:36:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 : </strong></span>જામનગર કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર, શું સત્તામાં આવતા જ પ્રજાને આ સુવિધાઓ મળશે, <strong>જાણો જનતા માટે શું છે ખાસ...</strong></p>

જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોને ધ્યાનમાં રાખીને પોતાનો સત્તાવાર ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શહેરના ભવિષ્યને બદલી નાખવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. 'સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય'ના સૂત્ર સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે આધુનિક ભારત અને મજબૂત નગરરચનાનો પાયો હંમેશા કોંગ્રેસે જ નાખ્યો છે અને આ માત્ર ચૂંટણી વચનો નથી પરંતુ જામનગરની જનતા સાથેનું એક મજબૂત કમિટમેન્ટ છે. આ ઢંઢેરામાં શહેરના પાયાના પ્રશ્નો જેવા કે પાણી, ગટર અને રોડ-રસ્તાથી લઈને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ સુધીની તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેઓ સત્તા પર આવશે તો જામનગરના નાગરિકોને દિવસમાં બે વખત શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને વર્ષો જૂની પીવાના પાણી તથા ગટરની લાઈનો ભેગી થવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા બંને નેટવર્ક સંપૂર્ણપણે અલગ કરવામાં આવશે. સ્વચ્છતાના મુદ્દે શહેરમાં દિવસમાં બે વાર ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા ગોઠવવાની ખાતરી પણ આપવામાં આવી છે.

શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો લાવવાની વાત કરતા કોંગ્રેસે જણાવ્યું છે કે મહાનગરપાલિકા હસ્તકની તમામ શાળાઓનું આધુનિકરણ કરવામાં આવશે અને ગુજરાતી માધ્યમની સાથે સાથે શ્રેષ્ઠ કક્ષાનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પણ મફતમાં પૂરું પાડવામાં આવશે. આરોગ્ય સુવિધાઓને જન-જન સુધી પહોંચાડવા માટે દરેક વોર્ડ દીઠ 24 કલાક કાર્યરત રહે તેવા નવા હેલ્થ સેન્ટરો સ્થાપવાની યોજના છે. આ ઉપરાંત, મધ્યમ અને ગરીબ વર્ગને ટેક્સમાં મોટી રાહત આપતા 40 મીટર સુધીના બાંધકામ ધરાવતા મકાનોના પ્રોપર્ટી ટેક્સમાં સીધો 40 ટકાનો ઘટાડો કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પરિવહન ક્ષેત્રે મોટો નિર્ણય લેતા કોંગ્રેસે વચન આપ્યું છે કે સિટી બસમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાના ખિસ્સા પરનો આર્થિક બોજ હળવો થઈ શકે.

જામનગરના યુવાનો અને રમતગમત પ્રેમીઓ માટે શહેરના ભવ્ય ક્રિકેટ વારસાને જીવંત રાખવા આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું પણ આ મેનિફેસ્ટોમાં વચન અપાયું છે. શહેરના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ઉકેલવા માટે વ્યાપક ઓડિટ કરીને ભવિષ્યલક્ષી પાર્કિંગ ઝોન બનાવવામાં આવશે અને વાહનો ટો કરવાની વિવાદાસ્પદ પ્રથા બંધ કરવામાં આવશે. નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને રક્ષણ આપવા માટે તેમને કાયદેસરના લાયસન્સ આપી તેમની ઓળખ સ્થાપિત કરવામાં આવશે. વહીવટી પારદર્શિતા વધારવા માટે 'JMC ઓનલાઈન' હેઠળ જન્મ-મરણના દાખલાથી લઈને તમામ પ્રકારના વેરા અને ફરિયાદોનું નિરાકરણ ઓનલાઈન માધ્યમથી ઝડપથી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શ્રમિકો અને સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો માટે 'પહેલા આવાસ, પછી ડિમોલિશન'ની નીતિ અપનાવી તેમને પાકા મકાનો આપવાની અને નડતરરૂપ ન હોય તેવા બાંધકામોને કાયમી કરવાની ખાતરી સાથે, કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી કરી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનો નિર્ધાર કોંગ્રેસે વ્યક્ત કર્યો છે.