જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, દંપતીને કચડ્યા
જામનગરના ફલ્લા પાસે હાઈવે પર મોતની સવારી જેવો દ્રશ્ય સર્જાયો હતો. એકાએક રોંગ સાઈડમાંથી ધસી આવેલા કાળમુખા ટ્રેક્ટરે બાઈક સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. 64 વર્ષીય વૃદ્ધના પત્ની હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
બેફામ ગતિએ રોંગ સાઈડમાં આવી રહેલા એક ટ્રેક્ટર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની સામે પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.મળતી માહિતી મુજબ, જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના વતની નાનભા લાલુભા જાડેજા (ઉં.વ. 64) તેમની પત્ની ધીરજબા સાથે પોતાના મોટરસાયકલ (GJ-10-CQ-XXXX) પર સવાર થઈ ગામ તરફ જઈ રહ્યા હતા.
ફલ્લા ગામ નજીક રુદ્રાક્ષ હોટલ પાસે તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા ટ્રેક્ટર (GJ-10-DR-2810) ના ચાલકે રોંગ સાઈડમાં બેફિકરાઈથી વાહન ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે દંપતી રોડ પર ફંગોળાયું હતું. નાનભા જાડેજાને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે તેમની પત્ની ધીરજબાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
તબીબી તપાસમાં તેમને બ્રેઈન હેમરેજ અને ફ્રેક્ચર હોવાનું ખૂલ્યું છે. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટર ચાલક પોતાની ટ્રોલી સાથે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, આ મામલે નાનભા જાડેજાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.