ટ્રાવેલ્સ એજન્સીના નામે ગાડી ભાડે આપતા પહેલા આ કિસ્સો વાંચો, જામનગરમાં પિતા-પુત્રએ 14 વાહનો ગીરવે મૂકી ખેલ્યો લાખોનો ખેલ
જામનગર શહેરમાં ટ્રાવેલ્સ એજન્સીના નામે લોકોની મોંઘીદાટ ગાડીઓ ભાડે રાખ્યા બાદ તેને બારોબાર ગીરવે મૂકી દેવાનું મસમોટું કૌભાંડ સીટી 'સી' ડિવિઝન પોલીસે ઉઘાડું પાડ્યું છે. ગુણાતીતાનંદ નગરમાં રહેતા પિતા-પુત્રએ છેતરપિંડી આચરી અડધા કરોડથી વધુની રકમની અફરાતફરી કરી હોવાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. ફરિયાદી ધ્રુવરાજસિંહ જાડેજા અને તેમના પરિચિતોને વિશ્વાસમાં લઈ, આરોપી સંજય નકુમ અને તેના પિતા રણમલ નકુમે પોતાની ટ્રાવેલ્સ એજન્સીમાં ગાડીઓની જરૂર છે તેમ કહી ઊંચા ભાડાની લાલચ આપી હતી.
આ રીતે તેમણે કુલ 14 લક્ઝરી કાર મેળવી હતી અને સાથે જ રૂા. 5.10 લાખ રોકડા પણ લીધા હતા. જોકે, ભાડું ચૂકવવાને બદલે પિતા-પુત્રએ આ તમામ ગાડીઓ જામનગરના અલગ-અલગ વ્યક્તિઓ પાસે 10% થી 30% ના ઊંચા વ્યાજે ગીરવે મૂકી દીધી હતી. સીટી સી-ડિવિઝન પીઆઈ પી.કે. ડાભી અને તેમની ટીમે ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં પિતા-પુત્રની ધરપકડ કરી છે. પોલીસે હાલ 8 લક્ઝરી કાર કબજે કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ જોડીએ 25થી વધુ વાહનો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે, જેનો આંકડો પોણા કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ પિતા-પુત્રએ અગાઉ વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતી, પરંતુ તપાસમાં ખુલ્યું કે તેઓ પોતે જ લોકોની ગાડીઓ પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલા છે. બીજી તરફ, પોલીસે આરોપીઓની ફરિયાદના આધારે ચાર શખ્સો વિરુદ્ધ 30% વ્યાજ વસૂલવા અને 40 કોરા ચેક પડાવી લેવા બદલ પણ અલગથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.