જામનગરમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો અસલી ચહેરો આવ્યો સામે, યુવતીને ડરાવી-ધમકાવી તો પોલીસે કસ્યો ગાળિયો
જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમૃતલાલ મહીડાની યુવાન પુત્રી સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી અને ધાકધમકીનો ભોગ બની છે. થોડા સમય પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર યુવતીને હૈદરાબાદના 'દિનેશ' નામના શખ્સ સાથે મિત્રતા થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે વાતચીત ચાલી હતી, પરંતુ બાદમાં પરિસ્થિતિ વણસી હતી. યુવતીને દિનેશ સાથેની મિત્રતા પસંદ ન આવતા તેણે વાતચીત બંધ કરી સંબંધ તોડી નાખ્યો હતો. આ બાબતથી ઉશ્કેરાઈ ગયેલા હૈદરાબાદના શખ્સે પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો.
યુવતીને સતત ફોન કરીને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી અને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. પોતાની પુત્રીને મળી રહેલી ધમકીઓથી ચિંતિત પિતા અમૃતભાઈ તાત્કાલિક જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી હૈદરાબાદના શખ્સ દિનેશ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 351 (1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર પોલીસે સોશિયલ મીડિયાના ટેકનિકલ માધ્યમો અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે આરોપી દિનેશનું લોકેશન ટ્રેસ કરવાની તજવીજ શરૂ કરી છે. આરોપીની ધરપકડ કરવા માટે સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા પહેલા સાવચેતી રાખવી. ખાસ કરીને યુવતીઓએ ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની અંગત વિગતો શેર ન કરવી અને કોઈ પણ પ્રકારની હેરાનગતિના કિસ્સામાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.