જામનગરના ઈશ્વરીયામાં 'બાઈઓ'ની બાજી બગડી: ગંજીપાના ટીચતી મહિલા જુગારીઓ પોલીસ સકંજામાં.
જામનગરના ઈશ્વરીયા ગામે રાવલવાસમાં જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો ખેલ ખેલતી ત્રણ મહિલાઓને લાલપુર પોલીસે દરોડો પાડી દબોચી લીધી છે. પોલીસે મહિલાઓ પાસેથી ₹6,500ની રોકડ રકમ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.પોલીસે મહિલાઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઈશ્વરીયા ગામના રાવલવાસ વિસ્તારમાં કેટલીક મહિલાઓ જાહેરમાં એકઠી થઈ ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહી છે. આ માહિતીના આધારે પોલીસે તુરંત જ કાફલા સાથે દરોડો પાડ્યો હતો.
પોલીસના દરોડા દરમિયાન ત્રણ મહિલાઓ જાહેરમાં કુંડાળું વળીને પાના ટીચતી નજરે પડી હતી. જેમાં મહિલાઓની અટકાયત કરી છે. પોલીસે આ ત્રણેય મહિલાઓ પાસેથી કુલ ₹6,500ની રોકડ રકમ તેમજ જુગાર રમવાના ગંજીપાના સહિતનો સામાન કબજે કર્યો છે. લાલપુર પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે પંથકમાં જુગાર રમતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.