April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

જામનગરના રાજકારણમાં નવો ઇતિહાસ: 'ગુજસીટોક'ના ત્રણ આરોપીઓ મનપા ચૂંટણીના જંગમાં!

11:58:00 AM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જામનગરના રાજકારણમાં નવો ઇતિહાસ:</strong></span> 'ગુજસીટોક'ના ત્રણ આરોપીઓ મનપા ચૂંટણીના જંગમાં!</p>

જામનગર મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીમાં આ વખતે વિકાસના મુદ્દાઓ કરતા કાયદાકીય પ્રકરણોએ વધુ ચર્ચા જગાવી છે. શહેરના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત ‘ગુજસીટોક’ જેવા અતિ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ દિગ્ગજ નેતાઓ ચૂંટણી જંગમાં ઉતરી રહ્યા છે. પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી પોલીસ જાપ્તા હેઠળ જેલમાંથી ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે, તો બીજી તરફ અતુલ ભંડેરી અને અલ્તાફ ખફી જેવા ચહેરાઓએ પણ કાયદાકીય લડત વચ્ચે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. અપરાધ અને લોકશાહીના આ અનોખા સંગમે જામનગરના મતદારો અને રાજકીય વિશ્લેષકોમાં ભારે કુતૂહલ અને ચર્ચા જન્માવી છે.

પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી, જેઓ છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે, તેઓ આ વખતે જેલમાંથી ચૂંટણી લડશે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે તેમને 9 એપ્રિલના રોજ પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભરવાની વિશેષ મંજૂરી આપી છે. આમ આદમી પાર્ટી તરફથી મેદાનમાં ઉતરેલા અસલમ ખીલજી હાલ રિમાન્ડ પર હોવા છતાં પાંચમી વખત જીત મેળવવા મક્કમ છે. વોર્ડ નંબર 16 માંથી કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીને ટિકિટ આપી છે. અતુલ ભંડેરી પણ ગુજસીટોક કેસમાં પોલીસ પકડમાં આવ્યા હતા, જોકે હાલ તેઓ જામીન પર મુક્ત હોવાથી ચૂંટણી મેદાનમાં સક્રિય થયા છે.

બીજી તરફ, અન્ય એક પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી હાલ મારામારીના કેસમાં જેલમાં છે. નીચલી કોર્ટે જામીન નકારતા તેમણે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ગુજસીટોક ઉપરાંત ભ્રષ્ટાચારના આરોપો પણ આ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બન્યા છે. વોર્ડ નંબર 6 માં કોંગ્રેસે એવા પૂર્વ કોર્પોરેટરને પક્ષમાં પ્રવેશ આપ્યો છે જેઓ અગાઉ એસીબી દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. જામીન પર મુક્ત થયા બાદ હવે તેઓ ફરીથી કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓને મેદાનમાં ઉતારવાના પક્ષોના નિર્ણય સામે જામનગરના જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને વોર્ડ નંબર 12માં સ્થાનિક જ્ઞાતિઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારની પસંદગી સામે જાહેરમાં પોસ્ટરો લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પક્ષો પાસે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોનો અભાવ છે? આમ, જામનગર મનપાની 2026ની ચૂંટણી વિકાસના મુદ્દાઓ કરતા 'ગુજસીટોક' અને જેલવાસ ભોગવતા ઉમેદવારોને કારણે વધુ ચર્ચામાં છે. એક તરફ પોલીસ તંત્ર ગુનાખોરી ડામવા મથી રહ્યું છે, ત્યારે બીજી તરફ કાયદાના સકંજામાં રહેલા નેતાઓ જનતાના પ્રતિનિધિ બનવા માટે જેલમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં મતદારોના મિજાજ પર કેવી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.