April 7, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

અલ્તાફ ખફીની બાદબાકી અને 'આપ' ની એન્ટ્રી: જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ

03:37:00 PM
Save
Apr 6, 2026
Share :
<p>અલ્તાફ ખફીની બાદબાકી અને 'આપ' ની એન્ટ્રી: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ</strong></span></p>

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા બહાર પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે 'કોંગ્રેસનો બહિષ્કાર' કરવાના બેનરો જાહેરમાં લાગતા કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનાએ જામનગરના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. વર્ષ 2021માં આ વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી, પરંતુ આંતરિક વિખવાદ અને ગેરશિસ્તને કારણે સ્થિતિ બદલાઈ છે.

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા અસલમ ખીલજી અને ફેબીદાબેન જુણેજા તેમજ રાજીનામું આપનાર જૈનબબેન ખફી 'આમ આદમી પાર્ટી' માં જોડાતા જંગ હવે ત્રિપાંખિયો બન્યો છે. પટણી જમાત દ્વારા ખુલ્લેઆમ વિરોધ થતા કોંગ્રેસ માટે પોતાની બેઠકો જાળવવી કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. કોંગ્રેસે આ વોર્ડ માટે જાહેર કરેલી 3 નામોની પેનલમાં પૂર્વ કોર્પોરેટર અને હાલ જેલવાસ ભોગવી રહેલા અલ્તાફ ખફીનું નામ ન હોવાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. અલ્તાફ ખફી જેલમાંથી ચૂંટણી લડશે તેવી શક્યતાઓ હતી, પરંતુ કોર્ટે જામીન ફગાવી દેતા અને પક્ષે નામ જાહેર ન કરતા તેમની બાદબાકી નિશ્ચિત મનાઈ રહી છે.

વોર્ડ-12માં વર્ચસ્વની લડાઈ હવે ગેંગસ્ટર જૂથો વચ્ચેના જંગમાં ફેરવાઈ હોય તેમ જણાય છે. અસલમ ખીલજી ગેંગ સામે હત્યાના પ્રયાસ, ખંડણી અને ગુજસીટોક જેવા ગંભીર 21 ગુનાઓ નોંધાયેલા છે. ફાયરિંગ અને હિંસાના ઈતિહાસને કારણે સામાન્ય નાગરિક કે શિક્ષિત ઉમેદવારો ચૂંટણી લડતા ડરી રહ્યા છે. પરિણામે, ભાજપને આ વોર્ડમાં મજબૂત ઉમેદવાર શોધવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે 'આપ' ખીલજી અને ખફી પરિવારના દમ પર મેદાન મારવા મથી રહ્યું છે. ચૂંટણી પહેલા જ લાગેલા આ બહિષ્કારના બેનરો જામનગરના રાજકારણમાં કયો નવો વળાંક લાવશે તે જોવું રહ્યું.