જામનગર મનપાની પ્રાથમિક મતદાર યાદી જાહેર: ગત ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદારોનો આશ્ચર્યજનક ઘટાડો
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગત ચૂંટણીની સરખામણીમાં કુલ મતદારોની સંખ્યામાં 46 હજારનો મોટો ઘટાડો નોંધાયો છે. વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીના શુદ્ધિકરણ અને ડુપ્લીકેટ નામ દૂર કરવાની પ્રક્રિયાને કારણે આ ફેરફાર થયો હોવાનું મનાઈ રહ્યું છે. આ યાદી જાહેર થતા જ શહેરના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે અને વિવિધ પક્ષોએ પોતાની રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે.
પ્રસિદ્ધ કરવામાં આવેલી નવી યાદી મુજબ, જામનગર શહેરના તમામ 16 વોર્ડમાં કુલ 4,42,841 મતદારો નોંધાયા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ 2021ની સામાન્ય ચૂંટણીની સરખામણીમાં આ વખતે કુલ 46,115 મતદારોનો ઘટાડો નોંધાયો છે. મતદારોની સંખ્યામાં આવેલા આ મોટા તફાવત પાછળ એસ.આઈ.આર.ની કામગીરી તેમજ મતદાર યાદીના શુદ્ધિકરણ જેવા અન્ય ટેકનિકલ કારણો જવાબદાર હોવાનું મનાય છે. આગામી ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
નોંધાયેલા 4.42 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 412 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આ બૂથો પર જરૂરી તમામ સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ અત્યારથી જ હાથ ધરાઈ છે. કુલ બેઠકોમાંથી 50 ટકા મુજબ 32 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જેમાં 8 બેઠકો ઓબીસી મહિલા, 2 બેઠકો અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત છે. જ્યારે પુરુષો (સામાન્ય) માં 20 બેઠકો સામાન્ય, 9 ઓબીસી, 2 અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે.
મતદારોની સંખ્યામાં થયેલા ઘટાડાને કારણે આ વખતે હાર-જીતનું માર્જિન ખૂબ જ રસાકસીભર્યું રહેવાની ધારણા છે, જામનગરના 16 વોર્ડના મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળશે અને કોને સત્તાના સૂત્રો સોંપશે તે તો આવનાર સમય જ બતાવશે. હાલ તો તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અને ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષોએ પણ નવા સીમાંકન અને મતદાર યાદી મુજબ પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી દીધી છે.