જામનગરમાં ચૂંટણી પૂર્વે બે પૂર્વ કોર્પોરેટર સહિત 29 શખ્સો સામે ‘ગુજસીટોક’ હેઠળ ગુનો નોંધાયો, અસલમ ખીલજી ગેંગના 13 શખ્સોની ધરપકડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, ત્યારે જામનગર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના બે પૂર્વ કોર્પોરેટરોની આગેવાની હેઠળ ચાલતી સંગઠિત ગુનાહિત ટોળકીઓના 29 શખ્સો વિરૂદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ બંને ટોળકીઓ વિરૂદ્ધ હત્યા, બળાત્કાર અને લેન્ડગ્રેબિંગ જેવા કુલ 98 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
સંગઠિત ગુનાખોરી ડામવા પોલીસની મોટી સર્જિકલ સ્ટ્રાઈક
આઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ જામનગરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની વિવિધ ટીમો જેમાં એલસીબી, એસઓજી અને સિટી ‘એ’ ડિવિઝનનો સ્ટાફ સામેલ હતો, તેમણે પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફીની ગેંગ પર ત્રાટકીને સામાન્ય નાગરિકોમાં ભય પેદા કરતી આ ટોળકીઓનો સફાયો કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.
અસલમ ખીલજી ગેંગના 13 શખ્સોની ધરપકડ
પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીની ગેંગમાં કુલ 18 સભ્યો સક્રિય હોવાનું સામે આવ્યું છે, જેમના વિરૂદ્ધ કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ ખીલજી સહિત શાકીર ખીલજી, આસિફ ખીલજી, રેહાન બેલીમ અને સદામ શેખ જેવા કુલ 13 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ગની પટેલ અને લતીફબાપુ સહિત અન્ય 5 શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ગેંગ પર હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને નશાકારક પદાર્થોના વેચાણ જેવા ગંભીર આરોપો છે.
અલ્તાફ ખફી ટોળકીના સાગરિતો સામે સકંજો
બીજી તરફ, પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી તેની ગેંગના સાગરિતો વિરૂદ્ધ જામનગર અને સાબરકાંઠામાં કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સમીર ચૌહાણ અને જુનૈદ ચૌહાણ સહિત 8 શખ્સો પહેલેથી જ જેલના સળિયા પાછળ છે. તાજેતરની કાર્યવાહીમાં પોલીસે શાહીદ ખફીની ધરપકડ કરી છે, જ્યારે અબુસુફિયાન કુરેશી અને ઓસમાણ ખફી નામના બે શખ્સોની શોધખોળ જારી છે.
હત્યા, લેન્ડગ્રેબિંગ અને નાર્કોટિક્સ સહિતના 98 ગુના
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને ટોળકીઓ જામનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયથી સક્રિય હતી. તેમના વિરૂદ્ધ નોંધાયેલા 98 ગુનાઓમાં હત્યા, ધાડની તૈયારી, જાહેરમાં ફાયરિંગ, એટ્રોસિટી, પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં આ ટોળકીઓએ અનેક લોકોને ધાક-ધમકી આપી હેરાન કર્યા હતા.