જામનગરમાં કોંગ્રેસને મોટો ફટકો: વોર્ડ નંબર 2 ના સક્રિય નેતા ઋષિરાજસિંહ જાડેજા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા શહેરના વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના સક્રિય અને પ્રભાવશાળી કાર્યકર ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
રાજીનામા બાદ અટકળોનો અંત, અધ્યક્ષના હસ્તે ખેસ ધારણ
ઋષિરાજસિંહ જાડેજાએ તાજેતરમાં જ કોંગ્રેસના હાઈકમાન્ડને પત્ર લખીને પોતાના તમામ હોદ્દાઓ અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. પોતાના રાજીનામા પત્રમાં તેમણે શરૂઆતમાં માત્ર 'અંગત કારણો' દર્શાવ્યા હતા. જોકે, આજે તેમણે શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના હસ્તે વિધિવત રીતે કેસરિયો ખેસ ધારણ કરીને તમામ રાજકીય અટકળોનો અંત લાવી દીધો છે. પોતાના રાજીનામા પત્રમાં તેમણે અગાઉ કોંગ્રેસ દ્વારા મળેલા માર્ગદર્શન અને તકો બદલ પક્ષનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
શાંતિનગર વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ વધશે
ઋષિરાજસિંહ માત્ર એકલા જ નહીં, પરંતુ તેમના મિત્ર મંડળ અને બહોળી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 ના શાંતિનગર વિસ્તારમાં તેમનું મોટું પ્રભુત્વ રહેલું છે. આ જોડાણથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેવું રાજકીય વર્તુળોમાં મનાઈ રહ્યું છે. બીજી તરફ, ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ પક્ષ છોડવાની આ ઘટના સ્થાનિક કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
'ભાજપની નીતિઓથી પ્રભાવિત થઈને નિર્ણય લીધો'
ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યા બાદ ઋષિરાજસિંહ જાડેજાએ પોતાના પક્ષપલટા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "જામનગરના વિકાસ માટે અને ભાજપની નીતિઓથી પ્રભાવિત થઈને મેં અને મારા સાથીઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે." હવે તેઓ દેશ અને શહેરના સર્વાંગી વિકાસની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ કાર્ય કરવા માટે તત્પર છે.