જામનગરમાં શિક્ષણના નામે લૂંટ? સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં ફી વધારા મુદ્દે વાલીઓનો ભારે આક્રોશ
જામનગર શહેરના લીમડાલાઇન વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી શાળા અત્યારે વિવાદના વમળમાં ફસાઈ છે. શાળા સંચાલકો દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ફીમાં મસમોટો વધારો ઝીંકી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વાલીઓમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. વાલીઓના જણાવ્યા અનુસાર, શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં સીધો રૂ.7,500નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. મધ્યમ વર્ગના પરિવારો માટે આટલો મોટો વધારો પચાવવો મુશ્કેલ બન્યો છે. વાલીઓનો આરોપ છે કે શિક્ષણના નામે શાળા હવે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે, જેના કારણે વાલીઓના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે.
ફી વધારાના વિરોધમાં આજે સવારે 43 જેટલા વાલીઓ એકઠા થઈને શાળાના દ્વારે પહોંચ્યા હતા, વાલીઓએ એકસૂરે શાળાના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને સંચાલકો સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વાલીઓના ટોળાએ શાળા સંકુલમાં જઈને લેખિતમાં રજૂઆત કરી હતી અને ફી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી. વાલીઓએ રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એકબાજુ કાળઝાળ મોંઘવારીમાં ફી વધારો અસહ્ય છે, તો બીજી બાજુ શાળામાં સુવિધાઓના નામે મીંડું છે.
ફીમાં ધરખમ વધારો કરાયો હોવા છતાં શાળાની ભૌતિક સુવિધાઓ કે શૈક્ષણિક સ્તરમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી, તો પછી આ વધારાનું ભારણ વાલીઓ પર કેમ નાખવામાં આવે છે તેવો સવાલ ઉઠાવ્યો છે. વાલીઓએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, હાલના સમયમાં સામાન્ય નાગરિક માટે ઘર ચલાવવું મુશ્કેલ છે, ત્યારે શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત પાછળ અચાનક આટલો મોટો ખર્ચ લાદવો તે અન્યાયી છે. શાળા સંચાલકોએ વાલીઓની આર્થિક સ્થિતિનો વિચાર કર્યા વગર આ એકપક્ષીય નિર્ણય લીધો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.
જો આગામી ત્રણ દિવસમાં આ ફી વધારાના મામલે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે અથવા ન્યાય નહીં મળે, તો તેઓ આ સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લઈ જશે. વાલીઓએ ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે. હાલમાં તો વાલીઓએ લેખિત રજૂઆત કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે, લીમડાલાઇન વિસ્તારની આ ઘટનાને પગલે શહેરની અન્ય શાળાઓમાં પણ ફી વધારાના મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.